સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના લોકોને અન્ન અધિકાર કાયદા હેઠળ અનાજ નો પુરવઠો આપવા માંગણી

પોરબંદર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ લેખિત રજુઆત

પોરબંદર : પોરબંદર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના હોદેદારો દ્વારા નાયબ કલેક્ટર પોરબંદરને એક પત્ર પાઠવી અન્ન અધિકાર કાયદા હેઠળ મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા અનાજ ની દુકાન મારફત અનાજનો પુરવઠો આપવા લેખિત રજુઆત કરી છે

રજુઆત માં જણાવેલ છે કે પોરબંદર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને મંદી તેમજ બેરોજગારીને કારણે ગરીબ અને મધ્યમવર્ગની આર્થિક હાલત ખુબ જ દયનીય બની ગઈ છે. આવા પરીવારો પોતાના સંતાનોને પુરતું ભોજન પણ ન આપી શકે તેવી સેંકડો પરીવારોની સ્થિતિ છે તેવા સંજોગોમાં કેન્દ્રમાં કોંગ્રેસ પક્ષના વડપણ હેઠળની યુ.પી.એ. સરકારે સમગ્ર દેશના નાગરીકોને અન્નની સુરક્ષા પુરો પાડતો કાયદો સંસદમાં પસાર કરીને અન્નનો હકક આપ્યો છે તે કાયદાની રૂએ આવા પરીવારોને સસ્તા અનાજની દુકાનો મારફત સમયસર અને નિયમિત અનાજ સહિતનો પુરવઠો મળે તે ખુબ જ જરૂરી અને કાયદાની રૂએ તેમનો હકક છે.

પરંતુ રાજય અને કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારની ગરીબ અને મધ્યમવર્ગ વિરોધી નીતિને કારણે અન્ન સુરક્ષા કાયદાની અમલવારી સંદભે વિવિધ ગાઈડલાઈનો અને નિયમોની વિસંગતતાને કારણે પોરબંદર જિલ્લાના હજારો પરીવારોને અન્ન અધિકાર કાયદા હેઠળ અનાજ મળતું નથી એ કડવી અને વાસ્તવિક હકીકત છે.

આ બાબતે ગુજરાત સરકાર સમક્ષ ગરીબ અને મધ્યમવર્ગના પરીવારો વતિ માંગણી અને રજુઆત છે કે જરૂરીયાતમંદ નાગરીકોને મફત અનાજ આપવાની યોજનાની મુદનમાં એક વર્ષનો વધારો કરી આપવામાં આવે.

નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અન્વયે કાર્ડની અરજીઓ લઈને જરૂરીયાતમંદ પરિવારોને આ યોજનાનો લાભ મળે તે માટે સત્વરે કાર્ડ આપવામાં આવે. કોંગ્રેસ પક્ષનું જયારે શાસન હતું તે સમયે સસ્તા અનાજની દુકાનેથી ગરીબ અને મધ્યમવર્ગને રાહતદરે ખાંડ અને તેલ આપવામાં આવતું હતું જે ભાજપ સરકારે બંધ કરી દીધું છે તેને ફરીથી શરૂ કરવામાં આવે. હાલમાં બારકોડ રેશનકાર્ડ ધારકે સસ્તા અનાજની દુકાને ફીગર પ્રિન્ટ કર્યા બાદ જ અનાજ આપવામાં આવે છે પરંતુ કેટલાય વૃધ્ધોના ફીંગરપ્રિન્ટ આવતા જ ન હોય અથવા મેચ ન થતા હોવાની ફરીયાદો ઠેર ઠેરથી મળે છે ત્યારે આ પ્રશ્નનું પણ વ્યવહારીક નિરાકરણ લાવીને આવા વૃધ્ધોને પણ ફરીથી અનાજ મળતું થઈ જાય તેવી અમારી માંગણી છે.

(9:06 pm IST)