સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

સેવા સેતુના માધ્યમથી સરકારી સેવાઓની સરવાણી પહોંચી લોકોના ઘર સુધી : મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી

પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના સમગ્ર જામનગર જિલ્લાને આવરી લેતા વિવિધ ૨૧ સ્થળો પર યોજાયો સંવેદના દિવસ : વિકાસની દોડમાં સંવેદનાને ભૂલ્યા વગર આગળ વધવું એ જ સાચી પ્રગતિશીલતા : દેશની સુરક્ષા, પ્રગતિ અને વિકાસ એ આવનારી પેઢીને આધારિત છે ત્યારે આ ભાવી પેઢીની સંભાળ લેવી એ રાજ્ય સરકારનો ધર્મ છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર  તા. ૩ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજયમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

જે કાર્યક્રમના બીજા દિવસે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે સંવેદના દિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે ૫૭ જેટલી સરકારી સેવાઓ લોકોને ઘર આંગણે જ મળી રહે તે હેતુથી રાજય સરકારે આજના દિવસે સમગ્ર રાજયમાં ૪૪૩ સ્થળોએ સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું છે.

દેશની સુરક્ષા, પ્રગતિ અને વિકાસ એ આવનારી પેઢીને આધારિત છે ત્યારે આ ભાવી પેઢીની સંભાળ લેવી એ રાજય સરકારનો ધર્મ છે અને તેથી જ પાલક માતા-પિતા, વિધવા સહાય, દિવ્યાંગ સહાય, સીનીયર સીટીઝન, નિરાધાર બાળકો વગેરે માટે રાજય સરકાર સતત ચિંતિત છે અને એ દિશામાં લોકોને મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલમાં લાવી લોકોને મદદરૂપ થઇ રહી છે. કોરોના મહામારીમાં પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આફતને અવસરમાં પલટાવવાની પોતાની સૂઝના કારણે અનેક વિકાસના કામો તથા યોજનાઓ અમલમાં મૂકી લોકસેવાનું ઉત્ત્।મ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની દોડમાં સંવેદનાને ભૂલ્યા વગર આગળ વધવું એ જ સાચી પ્રગતિશીલતા છે ત્યારે એ બાબતના ઉપલક્ષ્યમાં આજથી જ વિજયભાઈ રૂપાણી દ્વારા અમલમાં મુકાયેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજના કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના જીવનમાં અજવાળા પાથરવાનું કામ કરશે. શ્રી ભંડેરીએ વોકેશનલ તાલીમ, સ્કિલ ડેવલોપમેન્ટ, કસ્તુરબા વિદ્યાલય, દિવ્યાંગો તથા વૃદ્ઘો માટેની યોજનાઓ, દર્દી નારાયણ માટે આરોગ્યલક્ષી યોજનાઓ અંગેની આ પ્રસંગે માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે આવકના પ્રમાણપત્રો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આધારકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જન્મ પ્રમાણપત્ર સહિતની સેવાઓ લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવાઈ હતી.

આ તકે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણીએ તથા કાર્યક્રમની આભારવિધિ મામલતદાર શ્રી ગ્રામ્ય દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઇ ગોસરાણી, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, ભાજપ અગ્રણી શ્રી અભયસિંહ ચૌહાણ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)