સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

સુરેન્‍દ્રનગર મહેતા માર્કેટમાં શંકાસ્‍પદ તેલના નમૂના લેવાયા

ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા ભેળસેળયુકત તેલ અંગે દરોડા

વઢવાણ,તા. ૩ : મહેતા માર્કેટમાં આવેલ જિતેન્‍દ્રકુમાર લજપતરાય નામના હોલસેલ વેપારીને ત્‍યાં ભેળસેળયુક્‍ત ખાદ્ય તેલનું ચેકીંગ કરવામાં આવ્‍યું હતું જેમાં ડુપ્‍લીકેટ ખાદ્ય તેલના નમૂના લઇ વધુ ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગએ તપાસ હાથ ધરી છે. લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરી ભેળસેળયુક્‍ત તેલનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદોને આધારે ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ છે. તહેવાર સમયે જ જિલ્લાનું ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ સફાળું જાગતું હોવાથી લોકોમાં અનેક ચર્ચા વહેતી થઈ છે.

સુરેન્‍દ્રનગરમાં ભેળસેળયુકત-ડિસ્‍કોતેલનું ધુમ વેચાણ થઈ રહ્યુ હોવાની ફરીયાદો વચ્‍ચે ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા મહેતા માર્કેટમાં કેટલાક વેપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ હોવાનું જાણવા મળેલ છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ આ બાબતે તંત્રને રજુઆત કરવામાં આવી હતી. ત્‍યારે આ મામલે તંત્ર હરકતમાં આવ્‍યુ હોય તેમ ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગના અધિકારીઓએ મહેતા માર્કેટમાં તેલના વેપારીઓને ત્‍યાં ચેકીંગ હાથ ધર્યુ હતુ.

મહેતા માર્કેટમાં આવેલ જીતેન્‍દ્રકુમાર લજપતરાય અને ગાયત્રી એન્‍ટરપ્રાઈઝ નામની દુકાનોમાં ચેકીંગ હાથ ધરીને તેલના નમુના લેવાયા હતા. જેને પૃથ્‍થકરણ માટે લેબમાં મોકલાશે જોકે તેલનો કોઈ જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો નથી માત્ર નમુના લેવામાં આવ્‍યા હોવાનું જાણવા મળેલ છે. 

(11:15 am IST)