સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

ગોંડલમાં કેતન ભરવાડ અને પરિવારના છ લોકો પર મકાન ખાલી કરવાનું કહી હુમલો

વજા, રાજુ, લક્ષમણ, કાળુ, બાબુ સહિતના તલવાર-પાઇપથી તૂટી પડયાઃ ઘાયલોને રાજકોટમાં સારવાર અપાઇ

રાજકોટ તા. ૩: ગોંડલમાં ઉંબવાળા ફાટક પાસે ગોકુલનગરમાં રહેતાં ભરવાડ યુવાન અને તેના કુટુંબના છ લોકો પર અન્‍ય ભરવાડ શખ્‍સોએ તલવાર, પાઇપથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં તમામને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. મકાન મામલે આ માથાકુટ થયાનું જણાવાયું હતું.

ગોકુલનગરમાં રહેતાં કેતન કાળુભાઇ ડાંગર (ભરવાડ) (ઉ.૩૧) તથા તેના કુટુંબી ભાઇ રાહુલ ભીમાભાઇ ડાંગર (ઉ.૨૨) તેમજ ભીમાભાઇ ઘુસાભાઇ ડાંગર (ઉ.૪૮), મણીબેન ભીમાભાઇ ડાંગર (ઉ.૪૫), વીરૂબેન મુન્‍નાભાઇ ડાંગર (ઉ.૩૫) અને રઘા ઘુસાભાઇ ડાંગર (ઉ.૩૫) પર ઘર પાસે હતાં ત્‍યારે વજા દેવાભાઇ ભરવાડ, રાજુ, લક્ષમણ, કાળુ ભીમા, બાબુ સહિતનાએ આવી પાઇપ-તલવારથી હુમલો કરતાં સાતેયને ઇજાઓ થતાં ગોંડલ સારવાર લઇ રાજકોટ ખસેડાયા હતાં. અહિ કેતન, ભીમાભાઇ અને રઘાને દાખલ કરાયા હતાં. બાકીનાને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

સગા કાળુભાઇએ કહ્યું હતું કે કેતન અને રાહુલ અમારી પાનની દૂકાને બેઠા હતાં ત્‍યારે વજા સહિતનાએ આવી મકાન ખાલી કરી ભાગી જવાનું કહી ઝઘડો કરી બંનેને માર માર્યો હતો. આ બંનેને છોડાવવા બીજા કુટુંબીજનો વચ્‍ચે પડતાં તેમના ઉપર પણ હુમલો થયો હતો. ગોંડલ સીટી પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)