સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

ટંકારામાં વ્‍યાજ માટે મારામારીઃ બે વર્ષ પહેલા ૮૦૦૦ લીધા'તા તેના ૮૦ હજાર ચુકવ્‍યા છતાં વધુ માંગી હુમલો

દાદુભાઇ ચોૈહાણ અને તેના બનેવી બેચરભાઇ સિંધવ પર રાજનનો હુમલોઃ સામે રાજન પણ ઘવાયો

રાજકોટ તા. ૩: ટંકારામાં વ્‍યાજના રૂપિયાની ઉઘરાણી મામલે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી. સરાણીયા યુવાને પત્‍નિની બિમારી માટે બે વર્ષ પહેલા ૮૦૦૦ વ્‍યાજે લીધા હતાં. તેના કટકે કટકે ૮૦ હજાર ચુકવી દીધા છતાં વધુ વ્‍યાજ માંગી હુમલો કરવામાં આવતાં તેને તથા તેના બનેવીને ઇજા થઇ હતી. સામા પક્ષે હુમલો કરનાર પણ ઘાયલ થયો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ ટંકારામાં જીઇબી પાછળ રહેતાં અને છુટક મજૂરી કરતાં દાદૂ તારમહમદભાઇ ચોૈહાણ (સરાણીયા) (:ઉ.વ.૪૦) અને તેના બનેવી બેચરભાઇ જીણાભાઇ સિંધવ (ઉ.વ.૩૫)ને ટંકારા કલ્‍યાણપર રોડ પર હતાં ત્‍યારે રાજન કાસમભાઇ સમપોત્રા (ઉ.૨૮)એ આવી ઝઘડો કરી પાઇપ, લાકડીથી માર મારતાં બંનેને ઇજા થતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થયા હતાં. સામા પક્ષે રાજન પણ રાજકોટ સારવાર માટે દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ટંકારા પોલીસને જાણ કરી હતી. દાદૂભાઇના પત્‍નિ જસુબેને કહ્યું હતું કે હું બે વર્ષ પહેલા બિમાર પડી ત્‍યારે અમે આઠેક હજાર રાજન પાસેથી વ્‍યાજે લીધા હતાં. તેની સામે અત્‍યાર સુધીમાં એંસી હજાર આપી દીધા છે. છતાં તે વધુ રૂપિયા માંગી હેરાન કરતો હોઇ ગઇકાલે ઓચીંતા આવી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:10 am IST)