સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd August 2021

કચ્છમાં ધમધમતી જુગાર કલબ ઝડપાતાં ઓપીના પીએસઆઈ, બીટ જમાદાર સસ્પેન્ડ : વીજ કર્મચારી બની પોલીસ પહોંચી

સ્ટેટ મોનીટરિંગ સેલના દરોડામાં ૧૧ લાખની રોકડ સાથે ૧૬ ખેલીઓ અને કુલ ૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત, અંજાર ભુજ વચ્ચે આરએસ ફાર્મમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) અંજાર ભુજ હાઈવે ઉપર ચુબડક અને ગંઢેર ગામ વચ્ચે આરએસ ફાર્મમાં ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પડાયો હતો. રતનાલ ગામના રણછોડ શામજી છાંગા (આહીર) ની વાડીમાં ધમધમતી આ જુગાર ક્લબમાં સ્ટેટ મોનીટરીંગ પોલીસની ટીમ વીજ કર્મી બનીને પિક અપ વાનમાં પહોંચી હતી. પોલીસે ૧૬ ખેલીઓમાં ફાર્મ માલિક રણછોડ શામજી છાંગા સામે ગુનો નોંધી કુલ ૧૧.૫૭ લાખની રોકડ ઉપરાંત મોબાઈલ અને વાહનો સહિત કુલ ૫૭.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરમ્યાન આ કિસ્સામાં ફરજ પર બેદરકારી દર્શાવવા બાબતે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ દ્વારા પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ. જાડેજા અને બીટ જમાદાર કુલદીપસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. રેન્જ આર.આર. સેલ, એલસીબી અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સ ટીમે આ દરોડો પાડ્યો હતો. દરમ્યાન દર વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ આર.એસ. ફાર્મમાં જુગાર કલબ ધમધમતી હોવાનું ચર્ચાય છે. પોલીસે ૧૬ ખેલીઓ સામે જુગાર ધારા ઉપરાંત કોવીડ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:53 am IST)