સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd August 2020

અયોધ્યા શિલાન્યાસમાં બીએપીએસ સંતોને નિમંત્રણ છે રક્ષબંધન પર્વે રામયંત્રનું પૂજન-પ્રાર્થના

રાજકોટ છે. અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર નિર્માણ અર્થેે આયોજીત શિલાન્યાસમાં ઉપસ્થિત રહેવા સંતો મહંતોને નિમંત્રણો પાઠવાયા છે. તે અંતર્ગત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા શ્રી મહંતસ્વામી મહારાજને પણ ભાવસભર નિમંત્રણ મળતા તેમના વતી પૂ. બ્રહ્મવિહારી સ્વામી તથા પૂ. અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ અવસરમાં ભાગ લવા અયોધ્યા જઇ રહ્યા છે. અહીં એ ઉલ્લેખનીય છે કે મંદિર નિર્માણ માટે પૂજનનું રાષ્ટ્રીય આંદોલન આરંભાયુ તે સમયે ગુજરાતમાં પ્રથમ રામશિલાનું વેદોકત વિધિપૂર્વક પૂજન કરીને પૂ. પ્રમુખ સ્વામી મહારાજે આસ્થાભેર પ્રાર્થના કરી હતી. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે રામમંદિર નિર્માણની પ્રથમ રામશિલાનું પૂજન કર્યુ એ દિવસ એટલે ૧૬ ઓગષ્ટ ૧૯૮૯ ના રક્ષાબંધનનો દિવસ. યોગાનુયોગ આજે રક્ષાબંધન છે. ત્યારે તેમના અનુગામી પૂ. મહંતસ્વામી મહારાજે પણ શ્રીરામમંદિર શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રી રામયંત્રનું પૂજન કરીને સંતો દ્વારા અયોધ્યા મોકલવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે નેનપુર ખાતે બિરાજતા પૂ. મહંતસ્વામી મહારાજે જણાવેલ કે કરોડો ભકતો અને સંતો મહાત્માઓની શ્રધ્ધા, તપસ્યા, બલિદાનની ફલશ્રુતિરૂપે ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ પર મંદિર બનવા જઇ રહ્યુ છે તેનો આજે અપાર આનંદ છે.     પૂ. મહંતસ્વામીએ જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ અયોધ્યાની નજીક આવેલા છપૈયા ગામે રામનવમીના પવિત્ર દિવસે જ થયો હતો. બાલ્યકાળના છ વર્ષો તેઓએ અયોધ્યામાં વિતાવ્યા હતા. અહીંથી જ તેઓએ ૧૧ વર્ષની ઉંમરે અખિલ ભારત તીર્થ યાત્રાનો આરંભ કર્યો હતો. આમ ભગવાન સ્વામિનારાયણ તેમજ પંચમ અનુગામી પ્રમુખ સ્વામિ મહારાજની અયોધ્યા સાથે અનેક સ્મૃતિઓ જોડાયેલી છે. તસ્વીરમાં શ્રીરામયંત્રનું પૂજન કરતા પૂ. મહંતસ્વામી મહારાજ અને રામશીલાનું પૂજન કરતા પૂ. પ્રમુખસ્વામી મહારાજ નજરે પડે છે.

(12:59 pm IST)