સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 3rd July 2022

ચોટીલાના રામચોકમાં સામાન્ય બોલાચાલીમાં બે શખ્સોએ આધેડ મોતને ઘાટ ઉતાર્યો

ચોટીલામાં રહેતા બાજુભાઇ ઉકાભાઇ સાડમીયા તેમની દિકરી સાથે ગામમાં ખરીદી માટે જઇ રહ્યાં હતા ત્‍યારે અગાઉના મનદુઃખ ને કારણે ઉશ્‍કાયેલા રાયધનભાઇ અને પ્રવિણભાઇએ હાથમાં પહેરેલુ કડુ બાજુભાઇને માથાના ભાગે મારતા મોત નિપજયું

લીંબડી: ચોટીલાના રામચોકમાં સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયા બે શખ્સોએ આધેડનુ ધોળા દિવસે માર મારી મોત નીપજાવતા ચોટીલા સહીત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા (Murder)માં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલામાં રહેતા બાજુભાઇ ઉકાભાઇ સાડમીયા તેમની દિકરી સાથે ગામમાં ખરીદી માટે જઇ રહ્યાં હતા. તે દરમિયાન રામચોક નજીક રાયધન સારાભાઇ સાડમીયા અને પ્રવિણભાઇ રણછોડભાઈ સાડમીયા સાથે અગાઉના મનદુખબાબતે બોલાચાલી થતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. અને બાજુભાઇ કાંઇ સમજે તે પહેલા રાયધનભાઇએ ઢીકાપાટુનો માર મારી બાજુભાઇને પકડી લીધા હતા અને પ્રવિણભાઇએ હાથમાં પહેરેલુ કડુ બાજુભાઇને માથાના ભાગે મારતા બાજુભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી.

આરોપીઓએ માર મારી ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાજુભાઇને સારવાર માટે પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન બાજુભાઇનું મોત થયુ હતુ. આ મામલે બાજુભાઇના પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારના મોભીનું મોત થતાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલમાં પણ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

ચોટીલા પોલીસને ઘટના અંગે જાણ થતાં ચોટીલા પોલીસ તેમજ લીંબડી ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યાની ફરીયાદ નોંધી બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી. જો કે હત્યાના સાચા કારણ અંગે વાત કરવામાં આવે તો સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતકની દીકરીને અગાઉ એક યુવાન ભગાડી ગયો હતો અને તેના સમાધાન માટે અમુક રકમ નક્કી કરવામાં આવી હતી. જે બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થતાં આરોપીઓએ બાજુભાઇનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો પણ ચર્ચાઇ રહી છે.

 

(6:52 pm IST)