સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd July 2020

કોડીનારમાં ૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ

તાલાલા-૩, બામણાસા ઘેડ-કોયલાણા-માણાવદર પંથકમાં અડધો ઇંચ

તસ્વીરમા કોડીનાર અને તાલાલા ગીરમાં વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું જે  નજરે પડે છે. (૯.૧૭)

રાજકોટ, તા. ૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસાનો માહોલ સર્જાય તેવું વાતાવરણ બની રહ્યુ઼ છે ત્યારે આજે સવારે ૧૦ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૬ ઇંચ વરસાદ ખાબકયો છે. જયારે તાલાલા ગીરમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે.

કોડીનારના પ્રતિનિધિ અશોક પાઠકના અહેવાલમાં જણાવાયું છે કે આજ સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને વાદળો છવાય ગયા હતાં. આવા વાતાવરણ વચ્ચે સવારે ૧૦ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૃ થયો હતો અને બપોરના ર વાગ્યા સુધી સતત ૪ કલાક સુધી વરસાદ પડ્યો હતો. આ વરસાદ બપોર સુધીમાં ૪ ઇંચ પડયો હતો.

કોડીનારમાં એક સાથે ૬ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા તેમજ નદી નાળામાં નવા નીર આવ્યા હતા. આખો દિવસ ઉકળાટવાળુ વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી છે.

ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે અને બપોર સુધીમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે ગીર-સોમનાથ જિલ્લાના અન્ય તાલુકા વેરાવળ, સુત્રપાડા, ઉના, ગીર-ગઢડામાં વરસાદ વરસ્યો નથી.

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલમાં જણાવાયું છે કે આજે બપોરના ૧ર થી ર દરમિયાન માણાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જયારે માળીયા-હાટીનામાં અને જુનાગઢમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

બામણાસા ઘેડ પંથકમાં પણ આજે બપોરે અડધાથી ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જયારે કોઇલાણામાં ર ઇંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી ધૂપ-છાંવ વાળુ વાતાવરણ છે અને અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ ગયો છે.

(3:17 pm IST)