સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd June 2020

જૂનાગઢમાં પાંચ હજાર માસ્ક તેમજ ૧૦૦ રાશન કિટ્સનું વિતરણ કરાયું

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા દાતાઓ અને કાર્યકરોના સહયોગથી

જૂનાગઢ,તા.૩ :  જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન ૨૧૦૦થી વધુ રાશનકિટ્સ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરાયા બાદ ચોથા તબક્કામાં વધુ ૧૦૦ રાશન કિટ્સ દાતાઓના સહયોગથી સર્વજ્ઞાતિના લોકોને અર્પણ કરવામાં આવી હતી. બીજી તરફ હવે સંસ્થા દ્વારા અભિયાનનો રાહ બદલીને અત્યારના સમયમાં સૌથી વધુ અગત્યના એવા માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજ સુધીમાં કુલ પાંચ હજારથી વધારે માસ્ક વિતરીત કરાયા છે.

લોકડાઉનની શરૂઆત થતા જ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા ગરીબ અને રોજેરોજનું કમાઈને ખાતા તેમજ કોઈને પાસે હાથ લાંબો ન કરી શકતા પરિવારોને રાશન કિટ્સનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઈ વઘાસિયા તથા મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી. વઘાસિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, લોકડાઉનના ચોથા તબક્કામાં ૧૦૦ રાશન કિટ્સ અર્પણ કરવામાં આવી છે. જયારે ફેરિયા, રેકડીવાળા, રીક્ષા ચાલકો, મજુરો વગેરે જેવા સમાજના નાના વર્ગના લોકોને પાંચ હજારથી વધારે માસ્કનું વિતરણ કરાયું છે.

લોકડાઉન ખુલતા જ હવે બજારમાં લોકોની અવર-જવર વધી છે. જેને લઈને કોરોનાનું સંક્રમણ પણ વધવાનો ભય વધ્યો છે. આ સ્થિતિ વચ્ચે દરરોજ અનેક લોકોના સંપર્કમાં આવતા ફેરિયા, રેકડીવાળા, કામદારો વગેરેને સલામતી આપવી જરૂરી છે. જેના કારણે આ માસ્ક વિતરણનું અભિયાન હાથ ધરાયું હતું. આ સાથે જ સેવાકિય કાર્યો કરતી અન્ય સંસ્થાઓને પણ લેઉવા પટેલ મહિલા મંડળે મદદરૂપ બનીને આર્થિક સહયોગ આપ્યો છે. મુક-બધિર રમણીકભાઈ વઘાસિયા સહિતના લોકોએ માસ્ક બનાવવના સેવાયજ્ઞમાં તન-મનથી સહયોગ આપ્યો છે. માસ્ક બનાવવાની કામગીરી થકી ઘણી બહેનોને રોજગારી પણ મળી છે.

રાશન કિટ્સ તથા માસ્ક વિતરણના સેવાકાર્યમાં ભાવેશભાઈ વઘાસિયા, અશોકભાઈ વઘાસિયા, શિતલબેન જોશી, મિથુનભાઈ નિમાવત, કાલુભાઈ લખલાણી, નરેન્દ્રભાઈ જોશી વગેરેએ ખભેખભા મિલાવીને સહયોગ આપ્યો હતો.

(11:48 am IST)