સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd June 2020

જુનાગઢમાં વધુ એક મહિલાને કોરોના પોઝિટિવ લંધાવાડ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર

જુનાગઢના ૭ સહિત જિલ્લાના કુલ કેસ ૩૦ થયા

જુનાગઢ તા. ૩ : જુનાગઢમાં વધુ એક મહિલાને કોરોના પોઝિટિવ થતા શહેરના લંધાવાડ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

જુનાગઢના લંધાવાડ વિસ્તારમાં રહેતી એક ૩૧ વર્ષીય મહિલાનો રિપોર્ટ ગત રાત્રે પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.

જુનાગઢની આરોગ્ય ટીમે આ વિસ્તારમાં  દોડી જઇને મહિલાને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડી હતી અને આરોગ્ય કામગીરી હાથ ધરી દીધી હતી.

જુનાગઢમાં વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવવાથી શહેરમાં કોરોનાના કેસ વધીને છ થયા છે જેમાં એક મહિલાનું બે દિવસ અગાઉ મૃત્યુ નિપજયું હતું.

જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૩૦ થઇ છે જેમાં ૧૩ મહિલા અને ૧૭ પુરૂષનો સમાવેશ થાય છે.

જોકે રપ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. હાલ એકટીવ કેસ ચાર છે.

જુનાગઢની મહિલાને કોરોના થવાથી તેના રહેણાંક વિસ્તાર લંધાવાડ વગેરેને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારધી દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવેલ છે.

મ્યુ.કમિશ્નર તુષાર સુમેરાની સુચનાથી લંધાવાડ વિસ્તારને સેનીટાઇઝ કરવાની સાથે લોકોએ આરોગ્ય તપાસણી અને સેમ્પલ લેવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

(11:37 am IST)