સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd June 2019

સોમનાથમાં દરિયામાં નાહવા જવા પર પ્રતિબંધ

સોમનાથ, તા. ૩ : ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં આ મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની ભૌગોલિક પરિસ્‍થિતિથી અજાણ હોઇ સમુદ્રમાં નહાવા જતા ડૂબી જવાના બનાવો બને છે. આ સમુદ્રનો કિનારો પ્રથમ દૃષ્‍ટિએ છીછરો દેખાય, પરંતુ થોડા અંદર જતાં સમુદ્રમાં બહુ જ મોટા વજનદાર ખડકાળ પથ્‍થરો છે જેથી સમુદ્રમાં નહાવા પડતા તેમ જ પગ બોળતા દર્શનાર્થી સહેલાઇથી બહાર આવી શકતા નથી તથા આ વિસ્‍તારમાં આવતા સમુદ્રના મોજાંઓ વાંકાચૂંકાં તેમજ જ ઘાતક હોય છે. હાલમાં આ જગ્‍યાએ નવી ચોપાટી બનાવવાનું કામ શરૂ થયું છે તથા મોટા પથ્‍થરના કારણે કોઇપણ વ્‍યકિત એના પરથી લપસી સમુદ્રમાં ડુબી જાય એવી શકયતાઓ રહે છે. આથી લોકોને દરિયામાં નહાવા જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્‍યો છે.

અમુક કિસ્‍સામાં અમુક વ્‍યકિત પોતે આ પવિત્ર યાત્રાધામના દર્શન કરી પોતાના આત્‍માને મોક્ષ મળશે એવા વિચાર ધરાવતી મસુદ્રમાં પડી આત્‍મહત્‍યા કરે છે. છેલ્લા ૧૦ વર્ષમાં પ્રભાસ પાટણ પોલીસ-સ્‍ટેશન તથા સોમનાથ મરીન પોલીસ સ્‍ટેશન ખાતે આવા ઘણા બનાવો નોંધાયા છે.

(11:21 am IST)