સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

કોરોનાનો સમય કાળાબજારનો નથી પણ માનવ સેવાનો છે- કચ્છના એમ્બ્યુલન્સ ચાલકોની સંવેદના :અત્યારે દર્દીઓને સારવાર, દવા અને વાહન માટે ખંખેરતા કિસ્સાઓ વચ્ચે સેવા ભાવના સાથે ધબકતી માનવતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::: વહેલી સવારે એમ્બ્યુલન્સ ચાલકનો ફોન આવે છે અને કોવીડ સ્મશાનમાં મૃતદેહના અંતિમસંસ્કાર અંગે તંત્ર સાથે સંકલનમાં રહેતા આરએસએસના કાર્યકર્તાને પુછે છે કે બે બોડી (લાશ) છે, લઇને ક્યારે આવું? ભુજની નજીક આવેલ સુખપર ગામમાં સવારથી સાંજ અને ભુજમાં ખારી નદી સ્મશાન ગૃહમાં સાંજથી વહેલી સવાર સુધી સતત મૃતદેહના અંતિમસંસ્કાર કરીને થાકેલા સ્વયંસેવકોએ હજી પુરતી ઉંઘ નથી કરી એટલે ચાલકને કહ્યું કે આઠ વાગ્યા પછી લાવે તો સારું. એટલે ચાલક ફરી વિનંતી સાથે કહે છે કે, ભાઇ અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ મૃતકના સબંધી ખુબ દૂરથી આવ્યાં છે, દુ:ખી છે અને મૃત્યુ પછી આખી રાત લટકીને બેઠાં છે તો જલ્દી અગ્નિસંસ્કાર થાય તો એ લોકોને રાહત થાય અને બધા ઘરે પહોંચે.

આ વિનંતીને કોણ ઠુકરાવી શકે? અને સંઘના પાંચ છ કાર્યકર્તાઓ ઉંઘ અને આરામને બાજુએ મુકીને ફરીથી સ્મશાને પહોંચીને કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિસંસ્કારના સેવાકાર્યમાં લાગી જાય છે. કોરોનાગ્રસ્ત મૃતદેહના અંતિમસંસ્કારનું કામ તો જોખમી છે  જ, પણ આ મહામારીમાં હોસ્પિટલોમાં ખડકાયેલા કોવીડના દર્દીઓના મૃતદેહોનો ઝડપી નિકાલ તો જ થાય. જો, એ મૃતદેહો સમયસર હોસ્પિટલથી સ્મશાન સુધી પહોંચે. 

...અને કઠણ હ્રદય સાથે જીવના જોખમે એ કામ પાર પાડે છે શબવાહિની કે એમ્બ્યુલન્સના વાહન ચાલકો. 

કાગડા બધે કાળા એ વાયકા પ્રમાણે આવા સમયે પણ ગેરરીતિ અને સમય સંજોગનો લાભ ઉઠાવીને સારવાર, ઓક્સિજન, ઈન્જેકશન માટે મૃતકના પરિવારો પાસેથી આથિઁક લાભ ખંખેરી લેવાનું ન ચુકતા શરમજનક કિસ્સાઓ વચ્ચે હજીયે માનવીય સંવેદના અને સેવા ભાવના ધબકે છે. કચ્છના આરએસએસના વરિષ્ઠ સ્વયંસેવક રામજીભાઈ વેલાણી પોતાના સ્વાનુભવ અંગે કહે છે કે, અત્યારે સેવાકીય કાર્યના પંદર દિવસ દરમ્યાન એ જોયું કે, કોરોનાની અચાનક વણસેલી પરિસ્થિતિ અને ખૂટતાં સાધનો વચ્ચે સતત કામનાં ભારણમાં રહેતા સરકારી હોસ્પિટલના ડોકટરો, મેનેજમેન્ટ અધિકારીઓ કે કર્મચારીઓ ગમે એટલા પ્રયત્નો કરે પણ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ડ્રાયવરનું સ્મશાનમાં કામ કરતા કાર્યકર્તાઓ સાથે સીધું સંકલન ન હોય તો મૃતદેહના નિકાલ બાબતે ઘણી અંધાધુંધી ફેલાઇ ગઇ હોત.

ભુજનું ખારી નદી સ્મશાન હોય કે તાલુકાના સુખપર ગામે ખાસ ચાલુ કરાયેલ કોવીડ સ્મશાન. 

ભયંકર ગરમી વચ્ચે આખો દિવસ પીપીઇ કીટ પહેરવી શક્ય જ નથી એવા સમયે એક સાથે બે બે મૃતદેહ ઉપાડીને ન માત્ર ઉપરાઉપરી સ્મશાનના ફેરા કરવા સાથે પોતાને ચેપ ન લાગે એની સાવચેતી અને સાથે આવેલ વ્યથિત સ્વજનોને સાચવવાનું અને હૈયાધારણ આપવાનું કઠિન કામ કરી રહ્યા આ એમ્બ્યુલન્સ ચાલકો.

બે વાહન ચાલકો તો પોતે કોરોનાગ્રસ્ત થયા પછી ફરી સ્વસ્થ થઇને કામે લાગ્યા છે તો કોઇની માતા કે પત્ની કોરોનાથી પીડાય છે છતાં આજીવીકા ઉપરાંત સમાજને પડતી તકલીફોનો ખરાબ સમય સાચવી લેવાની સેવાકીય માનસિકતા સાથે ભુજની જી.કે. જનરલ, ભુજ નગરપાલિકા અને સંસ્થાકીય ખાનગી એમ્બ્યુલન્સ અને શબવાહિનીના ચાલકો કીશન મકવાણા, સાવન ગોસ્વામી,  ઘનજી સંજોટ અને સતાર ખલીફા, મુકેશ જોશી, પ્રવિણભાઇ કે ઇમરાનભાઇ સહીતના આ બધા નામી અનામી વાહન ચાલકો અત્યારે ખરેખર કોરોના યોદ્ધા બનીને પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે, એમની સંવેદનાભરી આ કામગીરીને ધન્યવાદ સાથે બિરરદાવવીએ.(પૂરક માહિતી: રામજીભાઈ વેલાણી).

(1:59 pm IST)