સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

ભાવનગરમાં કોરોનાની સારવાર માટેની લેપ્રસી હોસ્પિટલની મુલાકાતે વિભાવરીબેન દવે

કોરોના માટે સમર્પિત પાંચ ૧૦૮ વાહનોનું લોકાર્પણ : ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે વિશેષ ઉપસ્થિત થઇ કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : કોરોના સંક્રમણના કારણે રાજયમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ભાવનગર સ્થિત સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પડી રહેલા ભારણને દ્યટાડવા માટે રૂવાપરી રોડ ખાતે લેપ્રસી હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર માટે તાત્કાલિક કોરોનાની સારવાર માટેની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.

બપોર બાદ શિક્ષણ રાજય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસસાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ઘના ધોરણે ઉભી કરવામાં આવેલ રૂવાપરી રોડ ખાતે લેપ્રસી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ-સગવડોની જાત માહિતી મેળવી સ્થળ પર જ સમીક્ષા કરી હતી.

શિક્ષણ રાજય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ  કોરોના માટે ખાસ સમર્પ્રિત પાંચ ૧૦૮ વાહનોનું લોકાર્પણ પણ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, લેપ્રસી હોસ્પિટલ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે, ત્યારે દર્દીઓને વધુ સારો ઓકિસજન મળશે.કુદરતી ઓકિસજન મળવાથી તેમના સાજા થવાનો દર પણ વધુ રહેશે.

અહીંયા ૧૩૦ થી ૧૩૫ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. તેમાં ધીમે -ધીમે વધારો કરવામાં આવશે.

શિક્ષણ રાજય મંત્રીશ્રીએ ભાવનગરના યુવરાજ સાહેબે આજે લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લઇ વહીવટી તંત્રનો અને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો છે તે માટે અભિનંદન આપ્યાં હતાં.

તેમણે કહ્યું કે, પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં પ્રજા અને સરકારના સંયુકત પ્રયાસોથી જ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે. કોરોનાનું પ્રમાણ જે રીતે વધતું જાય છે તેની સાપેક્ષમાં તંત્ર દ્વારા તેમજ રાજય સરકાર દ્વારા તાત્કાલિક નવી હોસ્પિટલ, નવા બેડ, ઓકિસજન, તબીબો વગેરેની તાત્કાલિક ધોરણે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.

ભાવનગરના યુવરાજે જયવીરરાજસિંહે કહ્યું કે, ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ લોકોની આરોગ્ય કાળજી માટે એ જમાનામાં સર ટી. અને લેપ્રસી હોસ્પિટલ પ્રજા માટે સમર્પિત કરી હતી.કોરોનાની મહામારી વચ્ચે ભાવનગર જિલ્લાનું વહીવટીતંત્ર રસ લઈને લોકોની સુખાકારી માટે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે તે ધન્યવાદને પાત્ર છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, કોરોનાની મહામારી જયારે વ્યાપક બની છે ત્યારે ભાવનગર વાસીઓ એક થઈને કોરોનાને હરાવવાની જરૂર છે.

આ મુશ્કેલ સમયમાં કોરોના વોરિયર્સ જે રીતે કાર્ય કરી રહ્યાં છે તેમના કાર્યને સલામ કરું છું. તમે લોકો છો તો.. અમે છીએ.. તેવો ભાવ તેમણે આ પ્રસંગે વ્યકત કર્યો હતો.આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, સીટી મામલતદારશ્રી ધવલ રવૈયા,સર ટી. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટશ્રી જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજ ડિનશ્રી હેમંત મહેતા, સર ટી. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરશ્રી હાર્દિક ગાઠાણી સહિતના નિષ્ણાંત તબીબો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:54 am IST)