સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

મોરબીમાં ડુપ્લીકેટ રેમડેસીવીર કાંડમાં ૪ ની ધરપકડ : ૭ના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે

આરોપીઓએ મોરબી સહિત રાજ્યમાં કેટલા નકલી ઇન્જેકશન પધરાવ્યા ? તે દિશામાં પોલીસ તપાસ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩: મોરબી અને સુરતના ઇસમોએ ડુપ્લીકેટ ઇન્જેકશન બનાવવાની આખી ફેકટરી ધમધમતી કરીને રાજયવ્યાપી નકલી ઇન્જેકશનનો વેપલો શરુ કર્યો હોય જેના મૂળ સુધી પહોંચીને મોરબી એલસીબી ટીમે છ ઇસમોને દબોચી લીધા હતા તો ફરાર થયેલ અન્ય એક ઇસમ સહીત કુલ ૧૧ આરોપી  સામે ગુન્હો દાખલ કરાયો છે. જેમાં ૪ ની ધરપકડ કરાઇ છે. અને ૭ ની કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે.

ડુપ્લીકેટ ઇન્જેકશન પ્રકરણમાં મોરબી એલસીબી ટીમે અમદાવાદ અને સુરત પોલીસની ટીમોની મદદથી મોરબીના રાહુલ અશ્વિન કોટેચા રહે રવાપર ગામ મોરબી, રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી રહે મોરબી નવલખી રોડ ઉપરાંત મહમદ આશિમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસ પટણી રહે અમદાવાદ જુહાપુરા અને રમીઝ સૈયદહુશેન કાદરી રહે જુહાપુરા વેજીટેબલ રોડ વાળાને ઝડપી લેવાયા બાદ ગઈકાલે આરોપીઓના સેમ્પલ લેવાયા હતા જેના રીપોર્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે તો સુરતથી ઝડપાયેલ અને મુખ્ય સુત્રધાર મનાતો ઇસમ કૌશલ મહેન્દ્ર વોરા રહે સુરત અને પુનીત ગુણવંતલાલ શાહ રહે મુંબઈ વાળો તેમજ ૨૦૦૦ નંગ ઇન્જેકશન કારમાં મુકીને નાસી ગયેલ ઇસમ સિરાજખાન ઉર્ફે રાજુ પઠાણ એમ ત્રણ આરોપીના આરટીપીસીઆર સેમ્પલ લેવાયા છે જેના કોવીડ રીપોર્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે

મોરબી, અમદાવાદ અને સુરતથી ઝડપાયેલા નકલી ડુપ્લીકેટ વેચી લોકોના જીવ સાથે ચેડા કરનાર ઈસમોના કોરોના રીપોર્ટ આવવાના બાકી છે દરમિયાન પોલીસ ટીમે આરોપીઓની સદ્યન પૂછપરછ હાથ ધરી છે જેમાં મોરબી તેમજ અન્ય શહેરોમાં કેટલા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશન દર્દીઓને પધરાવી દીધા હતા અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા તેમજ આ કોભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ ચલાવી છે તેમજ આરોપીઓના કોવીડ રીપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરીને રિમાન્ડ મેળવાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

(11:46 am IST)