સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

ભાવનગરમાં કોરોનાથી ૧૧ના મોત અને ૬૫૮ રેકોર્ડ બ્રેક કેસથી ગભરાટ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૪,૪૪૪ કેસો પૈકી ૪,૦૫૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ : ભાવનગર જિલ્લામા વધુ ૬૫૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૪,૪૪૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૬૨ પુરૂષ અને ૧૭૪  સ્ત્રી મળી કુલ ૪૩૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૭૨, ઘોઘા તાલુકામાં ૩૨, તળાજા તાલુકામાં ૨૬, મહુવા તાલુકામાં ૫, વલ્લભીપુર તાલુકામાં ૧૯, ઉમરાળા તાલુકામાં ૧૧, પાલીતાણા તાલુકામાં ૧૭, સિહોર તાલુકામાં ૧૫, જેસર તાલુકામાં ૧૩ તેમજ ગારીયાધાર તાલુકામાં ૧૨ કેસ મળી કુલ ૨૨૨ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ વલ્લભીપુર તાલુકાનાં કાળાતળાવ ગામ ખાતે રહેતા એક દર્દી, પાલીતાણા તાલુકાનાં મોખડકા ગામ ખાતે રહેતા એક દર્દી, ગારીયાધાર તાલુકાનાં વદર ગામ ખાતે રહેતા એક દર્દી, વલ્લભીપુર તાલુકાનાં મોણપર ગામ ખાતે રહેતા એક દર્દી, ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી અને ઘોઘા તાલુકાનાં ઉખરલા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૧ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૮૦ અને તાલુકાઓમાં ૧૮૦ કેસ મળી કુલ ૩૬૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૪,૪૪૪ કેસ પૈકી હાલ ૪,૦૫૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૧૬૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:03 am IST)