સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

જૂનાગઢ જિલ્લામાં બે દિવસમાં ૫૭૬ કેસનો વધારો, ૧૬ કોવિડ દર્દીના મોત

૪૮ કલાકમાં માત્ર ૨૯૩ દર્દી સ્વસ્થ થયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૩ : જૂનાગઢ જિલ્લામાં બે દિવસમાં કોરોનાના ૫૭૬ કેસનો વધારો થવાની સાથે ૧૬ કોવીડ દર્દીના મોત થયા છે.

જ્યારે ૪૮ કલાકમાં માત્ર ૨૯૩ દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

મે મહિનો શરૂ થયાને આજે ત્રીજો દિવસ છે પરંતુ કોરોનાના કેસમાં કોઇ પ્રકારે ઘટાડો નોંધાયો નથી.

ગત એપ્રિલના અંતિમ દિવસ તા. ૩૦ના રોજ જૂનાગઢ જિલ્લામાં ૨૭૨ કોરોના કેસ સામે આવેલ પરંતુ આ પછી ૧લી મે ગુજરાત સ્થાપના દિનથી કોરોના દર્દીની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. આ દિવસે જિલ્લામાં નવા ૨૮૩ કેસની એન્ટ્રી થઇ હતી. અને ૨૨૯ દર્દી ડિસ્ચાર્જ થયેલ.

તા. ૧લી મેના રોજ જૂનાગઢ સીટીના બે સહિત ૭ કોરોના દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

મે માસના બીજા દિવસે એટલે કે રવિવારના રોજ જૂનાગઢ જિલ્લામાં ૧૦ કેસના વધારા સાથે નવા ૨૯૩ કોવીડ દર્દીનો ઉમેરો થયો હતો જે સાથે કોરોના કેસનો ડેઇલી આંક ૩૦૦ની નજીક પહોંચવા આવ્યો છે.

૨૪ કલાકમાં વધુ ૯ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. જૂનાગઢના ત્રણ પેશન્ટ તેમજ જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, ભેંસાણ તથા માંગરોળના એક-એક અને વંથલીના બે દર્દીને કોરોના ભરખી ગયો હતો.

બીજી તરફ નવા ૨૯૩ કોરોના દર્દી સામે ૧૪૦ પેશન્ટ કોરોનાને માત આપી શકયા હતા.

શનિ-રવિમાં જૂનાગઢમાં ૨૯૩ દર્દી વધ્યા છે અને પાંચ વ્યકિતના મૃત્યુ થતાં શહેરમાં સંક્રમણ સતત વધ્યું છે.

(11:02 am IST)