સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 3rd May 2021

પોરબંદરમાં જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના અલગ અર્થઘટનથી સેવાકાર્યોમાં અડચણો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩ :. જિલ્લા મેજીસ્ટ્રેટના રાત્રી કર્ફયુ સહિત જાહેરનામાના અમલ કરવામાં કેટલીકવાર જુદા જુદા અર્થઘટનને લીધે રાત્રીના ભૂખ્યાઓને ભોજન પહોંચાડવા સહિત કામગીરી કરનારા સેવાભાવીઓને ભારે પરેશાની ભોગવવી પડતી હોવાની ફરીયાદો ઉઠી છે.

રાત્રી કર્ફયુ જાહેરનામુ શહેરમાં લાગુ છે ત્યારે જાહેરનામા મુજબ ખાદ્ય ચીજવસ્તુ માટે છૂટ અપાઈ છે પરંતુ ફરસાણ અને લારીમાં ખાદ્ય ચીજવસ્તુ વેચનારાઓને પણ હેરાનગતિ કરાઈ રહ્યાની ફરીયાદો ઉઠી છે. અમુક ગરીબ વર્ગ રાત્રીના ૫૦ થી ૧૦૦ ગ્રામ ગાંઠિયા લઈને પોતાની ભૂખ સંતોષે છે પરંતુ જાહેરનામાને પગલે તેઓને શહેરમાં રાત્રીના ગાંઠિયા ઉપરાંત પાઉં-બિસ્કીટ પણ મળી શકતા નથી. રાત્રી સમયે નિરાધારોને ભૂખ્યાઓને ભોજન પહોંચાડતા સેવા કરતા સેવાભાવીઓ અમુક વિસ્તારોમાં પહોંચી શકતા ન હોય આવા નિરાધાર લોકો રાત્રીના ભોજન માટે વલખા મારે છે. સેવાભાવીઓ ભૂખ્યાઓને રાત્રીના ખીચડી, શાક, રોટલા પહોંચાડે છે, પરંતુ સેવાકાર્યમાં અડચણ આવી રહી છે. શહેરના વિનામૂલ્યે ચાલતા અન્નક્ષેત્રો રાત્રીના વહેલા બંધ કરાવી દેવામાં આવે છે. નિરાધાર વર્ગને વહેલા ભોજન પાર્સલ મંગાવવાનો ખર્ચ પહોંચાતો નથી. શહેરમાં જાહેરનામા અમલનો સાચા અર્થમાં અમલ કરાય તે તંત્રએ જોવા માંગણી ઉઠી છે.

(10:55 am IST)