સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd May 2019

ગોંડલ શહેર તાલુકાના કેટલાક રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠી

ગોંડલ, તા.૩: ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય અને માજી ઉપપ્રમુખ હરદેવસિંહ ટેમુભા જાડેજાએ નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ રાજય સરકારને પત્ર લખી જણાવ્યું હતું કે ગોંડલ શહેર અને તાલુકામાં કેટલાક રોડ રસ્તાઓના કામ રાજદીપ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવેલ છે અને આ કામમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી છે, જેના કારણે આ માર્ગો બિસ્માર થવા પામ્યા છે. રાજદીપ કન્સ્ટ્રકશન દ્વારા કરવામાં આવેલ માર્ગો ના કામમાં લોટ પાણી અને લાકડા જેવી નીતિ અપનાવાયેલ હોય સરકારની વિવિધ યોજનાઓનું બાળ મરણ થવા પામ્યું છે.

હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજદીપ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવેલ કામોની તાકીદે તપાસ થવી જોઈએ આવી કંપનીઓના બિલના ચુકવણા અટકાવવાની માંગ કરી હતી અને આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે અનશન આંદોલનની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારી અધિકારીઓની રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.

(11:51 am IST)