સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd March 2021

દ્વારકાધીશજીની કથા ભગવાન શિવજીને સંભળાવવાનો ભાવ છેઃ પૂ. રમેશભાઈ ઓઝા

ઠાકોરજીને મધ્‍યાહન સંધ્‍યા કરતા જોયાનો વિશેષ આનંદઃ નાગેશ્વર જ્‍યોતિર્લીંગના સાનિધ્‍યમાં પૂ. ભાઈશ્રીના વ્‍યાસાસને આજથી શ્રીમદ્દ ભાગવત્‌ સપ્તાહનો પ્રારંભ

રાજકોટ, તા. ૩ :. ભગવાન દ્વારકાધીશજીની કથા ભગવાન શિવજીને સંભળાવવાનો અદ્‌ભૂત અવસર મળ્‍યો છે તેમ પૂ. રમેશભાઈ ઓઝા ‘પૂ. ભાઈશ્રી'એ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ જણાવ્‍યુ હતું.

પૂ. રમેશભાઈ ઓઝાના વ્‍યાસાસને આજે તા. ૩થી તા. ૯ સુધી દરરોજ બપોરે ૩.૩૦ થી સાંજના ૭ વાગ્‍યા સુધી શ્રીમદ્દ ભાગવત્‌ કથાનું ભવ્‍ય આયોજન જ્‍યોતિર્લીંગ નાગેશ્વર ખાતે કરાયુ છે. કથાની સાથોસાથ શ્રીબ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ-જામનગર દ્વારા મહામૃત્‍યુંજય મંત્ર દશાંશ હોમ મહાયજ્ઞ તથા પૂ. શરદભાઈ વ્‍યાસના વ્‍યાસાસને શિવ મહાત્‍મય કથાનું આયોજન પણ કરવામાં આવ્‍યુ છે.

પૂ. રમેશભાઈ ઓઝાએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યુ હતુ કે હું દર દશેરાએ દ્વારકાધીશ ભગવાનના દર્શને આવુ છું. કોરોનાકાળમાં મેં પોરબંદર સાંદિપની આશ્રમ છોડયુ નથી. સાંદિપની ખાતેથી ઓનલાઈન સત્‍સંગ તથા રાજુલા ખાતે વતનમાં શ્રીમદ્દ ભાગવત્‌ કથાનું આયોજન કરાયુ હતું.

પૂ. રમેશભાઈ ઓઝાએ વધુમાં જણાવ્‍યુ હતુ કે મનમાં એવો ભાવ હતો કે બેટદ્વારકા અથવા નાગેશ્વર જ્‍યોતિર્લીંગ ખાતે સિમીત સંખ્‍યામાં શ્રીમદ્દ ભાગવત્‌ સપ્તાહનું આયોજન થાય અને તે મુજબ આયોજન કરવામાં આવ્‍યુ છે. અહીં હરિ અને હર બન્ને બિરાજે છે ત્‍યાર જામનગર જિલ્લાના ભૂદેવો તથા શ્રી બ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ-જામનગરના પ્રમુખ હર્ષદભાઈ વ્‍યાસ અને મેનેજીંગ ટ્રસ્‍ટી જયવીનભાઈ દવે સહિતનાના સહયોગથી આ આયોજન શકય બન્‍યુ છે.

પૂ. રમેશભાઈ ઓઝાએ વધુમાં જણાવ્‍યુ કે, દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને મધ્‍યાહન સંધ્‍યા કરતા જોયાનો લાભ મળ્‍યો છે. ઠાકોરજીના દર્શન કરીને કોરોનાની મહામારીમાંથી મુકિત મળે તે માટે પ્રાર્થના કરી છે.

(2:26 pm IST)