સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd January 2020

પોરબંદર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓનો ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ

પોરબંદર તા. ૩: પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ રાજય કક્ષાની ખેલ-મહાકુંભની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી વિવિધ સ્પર્ધાઓમાં  એવોર્ડ મેળવી પોરબંદર જીલ્લાનું ગૌરવ વધારેલ છે.

ગુજરાત સરકાર યુવક સેવા અને સાંસ્કૃતિક -વૃતિઓનો વિભાગ - સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત સ્પેશ્યલ દિવ્યાંગો માટેના ખેલ મહાકુંભ-૨૦૧૯ની જીલ્લા કક્ષાના ૧૨૦ જેટલી વિવિધ સ્પર્ધામાં પ્રથમ વિજેતા દિવ્યાંગ સ્પર્ધકોએ નડીયાદ ખાતે આયોજીત રાજ્ય કક્ષાના દિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૯ માં ભાગ લઇ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ જેમ કે ટ્રાઇસીકલ રેસ, વ્હીલચેર હર્ડલ; ગોળા ફેક, બરછી ફેંક, ઉંચો કુદકો, લાંબો કુદકો અને ૧૦૦ મીટર દોડ જેવી સ્પર્ધાઓમાં પોતાની શારીરીક અક્ષમતા હોવા છતાં જોમ અને જુસ્સાથી ભાગ લઈ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ-૪, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદર જીલ્લાનું અને ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ પોરબંદરનું ગૌરવ વધારેલ છે.

આ  સિધ્ધીઓ મેળવવા બદલ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદરના પ્રમુખ શ્રીમતી મેઘાવીનીબહેન ધિરેન્દ્રભાઇ મહેતા, સંસ્થાના સેક્રેટરીશ્રી કમલેશભાઇ દેવજીભાઇ ખોખરી, સંસ્થાના ઉપપ્રમુખ ડૉ.  સુરેશભાઇ ગાંધી, બોર્ડ મેમ્બર્સ શ્રીમતી રાધીકાબેન વાડીયા, પોરસભાઇ જતીનભાઇ હાથી, દિપકભાઇ લાખાણી, પ્રો. પી.વી.ગોહેલ  તેમજ પોરબંદર જીલ્લા રમત-ગમત અધિકારીશ્રી રાવલીયા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ઉજજવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ પાઠવવામાં આવેલી.

રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ત્રણ હજાર જેટલા  દિવ્યાંગ ખેલાડીઓમાંથી પોતાના કાંડાના કૌવત દેખાડી વિજેતા બનેલ સર્વે દિવ્યાંગ ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે પધ્ધતિસરની તાલીમ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ , પોરબંદર દ્વારા આપવામાં આવેલી જેના ફળ સ્વરૂપે દિવ્યાંગ ખેલાડીઓ પંદર લાખથી વધુની રકમના રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. આ ખેલ મહાકુંભના દિવ્યાંગ ખેલાડીઓને કમલેશભાઇ દેવજીભાઇ ખોખરી અને શ્રી મૌલીકકુમાર કમલેશભાઇ ખોખરી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

દિવ્યાંગ ખેલાડીઓનુ નામ અને મેળવેલ સિધ્ધીઓ  મુજબ  રણજીતભાઇ લખમણીભાઇ પરમાર - ભાલાફેંક ગોલ્ડ મેડલ અને ચક્રફેંક -બ્રોન્ઝ મેડલ, કટારા મોપીબેન દેવાભાઇ -ચક્ર ફેંક- ગોલ્ડ મેડલ તથા ભાલાફેંક - બોન્ઝ મેડલ, ખુંટી ભીમભાઇ લખમણભાઇ - વ્હીલચેર હર્ડલ - ગોલ્ડ મેડલ , સલેટ રસીલાબેન આશુતોષભાઇ -ઉંચીકુંદ - ગોલ્ડ મેડલ  , ઓડેદરા મયુરભાઇ લખમણભાઇ - ગોળા ફેંક સિલ્વર મેડલ, ફળદુ વર્ષબેન અનીલભાઇ - ઉંચીકુદ સિલ્વર મેડલ , પરમાર મીણીબેન કારાભાઇ -ઉંચીકુદ સિલ્વર મેડલ , મકવાણા રશ્મીબેન ભીમજીભાઇ -૧૦૦ મી. દોડ - સિલ્વર મેડલ, ભલાણી કિરણબેન જીજ્ઞેષભાઇ - વ્હીલચેર હર્ડલ રેસ - બ્રોન્ઝ મેડલ, ભલાણી જીજ્ઞેષભાઇ સવદાસભાઇ - વ્હીલચેર હર્ડલ રેસ - બ્રોન્ઝ  મેડલ,  ઓડેદરા રામદેજી કારાભાઇ - ચક્ર ફેંક - બોન્ઝ મેડલ, પરમાર અંજલી વિજયભાઇ - લાંબી કુદ - બ્રોન્ઝ મેડલ , બલવા રાજકુમાર મગનભાઇ - ચક્રફેંક બ્રોન્ઝ મેડલ, છેલાર મુળુભાઇ કરશનભાઇ - ૧૦૦ મી. તરણ સ્પર્ધા-ગોલ્ડ મેડલ અને ૫૦ મી તરણ સ્પર્ધા - ગોલ્ડ મેડલ તેમજ કોડીયાતર મેપા લખમણભાઇ - ૧૦૦ મી. તરણ સ્પર્ધા- સિલ્વર મેડલ  તથા   ૫૦ મી તરણ સ્પર્ધા - સિલ્વર મેડલ તેમજ પોરબંદર જીલ્લાની વોલીબોલ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ત્રીજો નંબર મેળવેલ છે.

(11:39 am IST)