સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

પોરબંદર જીલ્લામાં શાંતિપુર્ણ પ૮.૯૬ ટકા મતદાનઃ ગત ચુંટણી કરતા ૩ ટકા ઓછુ મતદાન

પોરબંદરમાં ૬૧.૧૪ ટકા અને કુતિયાણામાં પ૬.૩૩ ટકા મતદાનઃ એક પણ ગંભીર ફરીયાદ નોંધાઇ નથી

(પરેશ  પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨: પોરબંદર જીલ્લામાં શાંતિપુર્ણ પ૮.૯૬ ટકા મતદાન થયું હતું. જે ગત ચુંટણી કરતા  ૩ ટકા ઓછુ મતદાન છે. પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ૬૧.૧૪ ટકા અને કુતિયાણા બેઠક ઉપર પ૬.૩૩ ટકા મતદાન નોંધાયું છે.

પોરબંદર જીલ્લાની બંને વિધાનસભા સીટનું ગત સરખામણીમાં ઓછુ મતદાન થયું છે.

સરેરાશ પ૮.૯૬ ટકા મતદાન નોંધાયું છે. જે ર૦૧૭ની ચુંટણી કરતા ઓછુ કહી શકાય છે.

પોરબંદર વિધાનસભા સીટ ઉપર વધુ મતદાન કરાવવા માટેના પ્રયાસો નિષ્ફળ ગયા હોય તેમ પ્રમાણમાં ખુબ ઓછુ મતદાન નોંધાયું છે. પોરબંદર જીલ્લાનું સરેરાશ મતદાન પ૮.૯૬ ટકા થયું છે. જેમાં પોરબંદર સીટનું ૬૧.૧૪ ટકા અને કુતિયાણા સીટનું પ૬.૩૩ ટકા મતદાન થયું હતું.

પોરબંદર વિધાનસભા સીટનું ૨૦૧૭નું મતદાન ૬૪.૭૭ ટકા હતું. જે ગત ચુંટણીની સરખામણીમાં ૩.૬૩ ટકા ઓછુ મતદાન થયું છે. કુતિયાણા સીટનું ગત ચુંટણીમાં ૫૯.૨૦ ટકા મતદાન હતું. જયારે આ વખતે પ૬.૩૩ ટકા મતદાન થયું હોવાની ગત ચુંટણીની સરખામણીમાં ર.૮૭ ટકા ઓછુ મતદાન નોંધાયું છે.

પોરબંદર જીલ્લામાં ગંભીર કહી શકાય તેવી એક પણ ફરીયાદ નોંધાઇ નથી. દિવસ દરમિયાન કન્ટ્રોલ રૃમ પર ૪૦ જેટલા ફોન આવ્યા હતા. પરંતુ પોલીસે કાર્યવાહી કરવી પડે તેવી એક પણ ફરીયાદ થઇ નથી અને ૪૯૪ મથકો ઉપર શાંતિપુર્ણ મતદાન થયું છે.

પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની બેઠક પર  શાંતિમય રીતે મતદાન પૂર્ણ  થયું હતું. પોરબંદર જિલ્લાના ૪૯૪ મતદાન મથકો પર મતદાનની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના ૨૪૬ મતદાન મથક પર વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. લોકો નિષ્પક્ષ અને નિર્ભય રીતે મતદાન કરી શકે અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાનની કામગીરી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી જેના ભાગરૃપે આજે સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. કલેકટર  અશોક શર્માએ જિલ્લાના મતદારોનો આભાર માન્યો હતો.

 જીલ્લા પોલીસ વડા, પોરબંદર અને કુતિયાણા મતવિસ્તારના બંને ચૂંટણી અધિકારીશ્રીઓ અને નાયબ પોલીસ અધિકારીશ્રીઓ અને અન્ય સહુ ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલિંગ સ્ટાફ-કર્મચારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા એજન્સીના જવાનોને પણ શાંતિપૂર્વક અને સમયબદ્ધ રીતે કરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરી  બદલ અભિનંદન પાઠવ્યા હતા.

(2:20 pm IST)