સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

પોરબંદર જિલ્લામાં ૧૪ સખી મતદાન મથકો ઉપર ૭૦ મહિલા પોલીંગ કર્મચારીઓએ ફરજ બજાવી

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર,તા.૨: જિલ્લામાં ૧૪ સખી મતદાન મથકો પર ૭૦ મહિલા પોલીંગ કર્મચારીઓએ ફરજ બજાવી હતી.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પોરબંદર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાનની પ્રક્રિયામાં જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પૈકી જિલ્લામાં ૧૪ સખી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.  જેમા ૭૦ મહિલા પોલીંગ કર્મચારીઓએ ફરજ બજાવી હતી

૮૩-પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે ૭ તથા ૮૪-કુતિયાણા વિધાનસભા મત વિસ્તાર માટે ૭ સખી મતદાન મથકો પર મહિલા કર્મચારીઓએ ફરજ બજાવી હતી. ૮૪-કુતિયાણાના વીરપુર ગામ ૧૧૭માં મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથક ઉભુ કરાયુ હતુ. 

પ્રિસાઇડીંગ ઓફિસર ધર્મિષ્ઠાબેન ટાંકે કહ્યુ કે, ભારતના ચૂંટણીપંચ દ્વારા આ પ્રકારના મતદાન મથકો ઉભા કરાયા એ આવકારદાયક પગલુ છે. ઝોનલ ઓફિસર એમ.એસ. પટેલે કહ્યુ કે, અહીં બુથ પર પોલીસ, બી.એલ.ઓ, સહિત સ્ટાફ મહિલાઓ છે. બુથ પરની મતદાન પ્રક્રિયાની તમામ કામગીરી મહિલા કર્મચારીઓ દ્રારા કરવામાં આવી હતી. મતદારોએ પણ કર્મચારીઓને સહકાર આપ્યો હતો.

આ ઉપરાંત પોરબંદર ખાતે આવેલ એમ.કે.ગાંધી  અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા ખાતે આવેલ સખી મતદાન બુથ પર ફરજબધ્ધ પ્રિસાઇડીંગ ઓફિસર ગીતાબેન ઉનડકડે કહ્યુ હતુ કે, ચૂંટણીપંચે આપેલી કામ કરવાની આ તક અમારા માટે અવસર સમાન છે.

(1:29 pm IST)