સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd December 2021

જુનાગઢની રૂ. ૧પ લાખના મોબાઇલ ફોનની ચોરીમાં બિહારની ચાદર ગેંગના ૭ શખ્સોની ધરપકડ

અમદાવાદથી પાંચ અને ભાવનગરથી પકડાયેલા બે ઇસમો પાસેથી રૂ. ૧૭ લાખનો મુદામાલ કબ્જે કરાયો

જુનાગઢ તા. રઃ રૂ. ૧પ લાખના મોબાઇલ ફોનની ચોરીમાં ક્રાઇમ બ્રાંચ સહિત પોલીસે બિહારની ચારદ ગેંગના સાત શખ્સોની ધરપકડ કરીને મહત્વની સફળતા મેળવી છે.

શહેરના એમજી રોડ પર આવેલ ફોનવાલા નામની મોબાઇલ ફોનની દુકાનમાં ગત તા. ર૯ નવેમ્બરના રોજ વ્હેલી સવારના તસ્કરો ખાબકયા હતા અને દુકાનનું શટર વાળીને રૂ. ૮૦ હજારની રોકડ રકમ અને રૂ. ૧પ લાખની કિંમતના મોબાઇલ ફોન તેમજ એસેસરીઝ ચોરીને નાસી ગયા હતા.

ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જેમાં ચાદર ઓઢીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાયું હતું.

ડીઆઇજી મનિન્નદર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી. જી. બડવા, બી-ડીવીઝનના પીઆઇ આર. એસ. પટેલ સહિતના પોલીસ અધિકારીઓ વગેરેએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એલસીબીના સ્ટાફે સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરીને ગણતરીના જ દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

જિલ્લા પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ક્રાઇમ બ્રાંચની સતત દોડધામ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તેમજ રેલ્વે પોલીસની મદદથી ફોનવાલા મોબાઇલ શોપની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ચાદર ગેંગ અને અન્ય નામથી કુખ્યાત ગેંગના સાત સભ્યોને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા છે. જેમાં પાંચ ઇસમોની અમદાવાદ ખાતેથી અને બે શખ્સોની ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે અને આ શખ્સો પાસેથી ચોરીનો રૂ. ૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવેલ કે, પકડાયેલા શખ્સો તેમના ગામથી નેપાળ નજીક હોય તેથી ચોરીનો મુદ્દામાલ નેપાળમાં વેચીને રોકડી કરી લેતા હતા.

એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ એલસીબીના પોલીસ અધિકારીઓ શ્રી ભાટી, શ્રી બડવા સહિતના પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

(2:46 pm IST)