સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd December 2021

બાબરાના શિક્ષીકા ઇલાબેન પાઠકને સેવાનિવૃતઃ વિદાયમાન

જે શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધુ એ શાળામાં ૩૭ વર્ષ સુધી શિક્ષિકા તરીકેની ફરજ પુરી કરી નિવૃતિ લેતા કન્યાશાળાના કર્મચારીઓ માટે યાદગાર બની રહ્યો વિદાય સમારંભ

બાબરાની તાલુકા કન્યા શાળામાં ૩૭ વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર ઇલાબેન પાઠકને તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ ભાવસભર વિદાયમાન આપ્યું હતું.

રાજકોટ તા. ર : બાબરા એ સમયે નાનુ એવુ ગામ-હજુ કિશોરાવસ્થા હતી.ત્યાં અહીની શાળામાં પગ મુકયો મોટાબા વેકેશનમાં ઘેર આવ્યા હતા મોટાબા શિક્ષિકા એટલે મને ભણાવવાની તેમને ઘણી હોશ વેકેશનમાં મોટાબાને ત્યાં ગામડે ગયા હોઇએ એટલે એક આદર્શ શિક્ષિકા તરીકે મોટાબાના ગૌરવને સાંભળ્યા હોય જોયા હોય પરંતુ અહી તો ઘર છોડી બજાર છોડી નળિયાવાળી નાની નિશાળે જઇએ એટલે પુરા પાંચ કલાક બહેનપણીઓની સાથે રહેવા મળે  ઘરની વાતો થાય તોફાનો થાય અને એક બીજાના નાસ્તાની લિજજત માણવા મળે આમ કરતા કરતા નાની નિશાળમાં કયારે મોટા થઇ ગયા ? તેનો અંદાજ જ ન રહ્યો રમતા-ભણતા મનમાં એવો સંકલ્પ અંકુરીત થવા લાગ્યો કે શિક્ષક બનીએ તો કેવુ સારૂ ? નિરાંતની નોકરી અને નાની દીકરીઓ સાથે કામ ભણાવવાની મજા આવે ઘર આંગણે શિક્ષક હોય તેનાથી વધુ રૂડું શું હોય શકે ? પ્રાથમીક શાળાનું ભણતર પુરૂ કરીએ ત્યાં ૧૦માં ધોરણ સુધીની સુવિધા ગામમાં થઇ હતી પી.ટી.સી. કરવા ઇચ્છતા બહેનો તાલીમ માટે શાળામાં આવતા-જતા થયા હતા તેથી ધો. ૧૦ પછી પી.ટી.સી. કરવાનું વિચાર્યુ હતું પરંતુ ભાગ્યને કોણ જાણી શકે?

બાબરાની કન્યા શાળામાં નોકરી પુરી કરી એક શિક્ષિકા તરીકે તાજેતરમાં નિવૃત થનાર ઇલાબેન પાઠકની આ વાત છે. તેઓ જે કન્યાશાળામાં ભણ્યા હતા ત્યાં સળંગ ૩૭ વર્ષ સુધી શિક્ષિકા તરીકે સેવા આપી અને નિવૃત પણ તે શાળામાં જ થયા. જિંદગીના પ૮માં વર્ષે નિવૃતિના અંતિમ પડાવ પર પહોંચેલા ઇલાબેનને ગઇકાલે શાળામાંથી નિવૃતિ વિદાય અપાઇ ત્યારે ચાર દાયકાનો ભુતકાળ તેમની નજર સામેથી પસાર થઇ ગયો. બાબરાની મામલતદાર કચેરીના જુના કવાર્ટસ, થોડે દુર આવેલું પોલીસ સ્ટેશન બજારમાંથી પસાર થઇને તુરત જ આવી જતી કન્યા શાળા એ સમયના આદર્શ શિક્ષકો ઘરના આધારસ્તંભ સમાન દાદા-મોટા બા., પપ્પા, પાડોશી અને પરીચિતોની આખી હારમાળા નજર સામે તરવરવા લાગી.

મારા સંઘર્ષની સાક્ષી એવી આ કન્યા શાળાએ મને ખુબ જ આપ્યું છે અહીની ધુળની તમામ રજકણોની હું ઋણી છું ગામના સિમાડે વહેતી કાળુભાર નદીના જળથી માંડિને સ્કુલ આંગણે લીલાછમ વૃક્ષોની સાથે મારો પારીવારીક પરીચય છે. હવે આ બધુ જ જાણે છોડવાનું ?  થોડી ક્ષણો માટે વિચારો આવ્યા પરંતુ ભાવસભર વિદાયના પ્રસંગે જાણે બધુ જ ભુલાવી દીધું

બાબરા તાલુકાના કેળવણી નિરીક્ષક સોનિયાબેન કોટડીયા, સીઆર.સી.કો.-ઓર્ડીનેટર મનોજભાઇ રાઠોડ, પે-સેન્ટરના આચાર્ય દક્ષાબેન સરવાળીયા, આચાર્ય અમીતભાઇ દલસાણીયા, ભાર્ગવભાઇ ત્રિવેદી, સત્યદીપભાઇ સરવૈયા સહિત શૈક્ષણિક અને બીન શૈક્ષણીક કર્મચારીઓની હાજરીમાં આયોજિત વિદાય સમારોહ એક યાદગાર પ્રસંગ બની રહ્યો સૌએ ઇલાબેનની સ્કુલ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની મમત્વની ભાવનાને બિરદાવી, એક સાથે ૩૭ વર્ષના સંઘર્ષનો ઉપહાર શુભકામનાઓના સાગર સાથે ઉમટયો સ્નેહના તાંતણે વર્ષોથી બંધાયેલા સૌ છુટા પડયા.

નિવૃતિકાળના પ્રથમ દિવસનો સુર્યોદય હવે થઇ ચુકયો છે ઇલાબેન હવે નિરાંતનો સમય પોતાની મસ્તી-આનંદમાં પસાર કરવા માગે છે. શાળાઓના મનગમતા વિદ્યાર્થીઓના ચહેરા જોઇ તેઓ મનોમન હસી પડેછે. નદીના વહેણની માફક વહેતી જીંદગીને જોઇને તેઓ કહે છે. ''હસતા રહીએ વહેતા રહીએ; લીલાછમ વૃક્ષની માફક શિતળછાય દેતા રહીએ.''

(2:46 pm IST)