જેતપુરમાં જીતેશભાઈ ડાભીની હત્યા કરનાર કૌટુંબીક ભાઈ સહિત બેની શોધખોળ
રૂપિયાની લેતીદેતીમાં ખંજર ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધીઃ પોલીસ તપાસનો ધમધમાટ
છાતીમાં ખંજર ખૂંપેલી હાલતમાં યુવાનની લાશને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨ :. જેતપુરમાં રૂપિયાની લેતીદેતીમાં ખંજરથી યુવાનની ક્રૂર હત્યા કરનાર કૌટુંબીક ભાઈ સહિત બે શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે.
બનાવની વિગત એવી છે કે અત્રેના બળદેવ ધાર વિસ્તારમાં રહી માથાના વાળનો ધંધો કરતો યુવાન જીતેષભાઈ ઉર્ફે જીતુ લાખાભાઈ ડાભીએ તેના કૌટુંબીક ભાઈ મહેશ ઉર્ફે બાલી મનસુખભાઈ ડાભી સાથે ભાગીદારીમાં ધોરાજી ખાતે ધંધો શરૂ કરેલ. જેમાં તેઓને ખોટ ગઈ હોય તે ખોટના રૂપિયાની ઉઘરાણી જીતેષભાઈ પાસે મહેશ કરતો હોય, મંગળવારે રાત્રે મહેશ જીતેષભાઈના ઘેર આવી રાત્રે જમીને કહેલ કે તુ મારી સાથે મારી બેન મુનીબેન ધોરાજી પ્રસંગમાં આવેલ છે' તેમ કહી ઘરેથી લઈ ગયેલ. બાદ સવારે તેની માતાના ફોનમા મહેશે ફોન કરી કહેલ કે મે જીતુને મારી ફેંકી દીધેલ છે. જેથી તેના પરિવારના લોકો શોધખોળ કરવા જતા જીતુભાઈનો મૃતદેહ બળદેવ ધાર વિસ્તારમાં આવેલ મનીષા ફલેટની સામેના ખુલ્લા પ્લોટમાં પડેલ હોય તેની છાતીમાં છરી મારેલ હોય તુરંત પોલીસને જાણ કરતા પીએસઆઈ એસ.એમ. વસાવા બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે હોસ્પીટલે ખસેડેલ.
આ અંગે તપાસ કરતા જીતુભાઈએ તેના કૌટુંબીક ભાઈ મહેશને રૂપિયા આપવાના હોય જે પોતાની પાસે ન હોય મહેશની બહેન મુનીબેન પાસેથી લઈ આપી દીધેલ જેની જાણ મહેશને થતા તેમણે ઉઘરાણી કરી રાત્રીના જીતુભાઈને ઘરેથી બહાનુ કરી લઈ જઈ રાત્રીના શરીરે છરીના બેફામ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધેલ.
આ અંગે પોલીસે જીતુભાઈના ભાઈ મહેશભાઈની ફરીયાદ પરથી મહેશ ઉર્ફે ગની તેમજ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી. આ કેસમાં શંકાસ્પદ શખ્સોની તપાસ હાથ ધરી છે. જીતુભાઈની છાતીમાં મારેલ છરી પણ કબ્જે કરી હતી.