સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd December 2021

વિરપુર ઓવર બ્રિજ પાસે બાઇક સ્લીપ થતાં જેતપુરના અશ્વિન ચોૈહાણનું મોત, નાના ભાઇ લખનને ઇજા

પંચર સાંધવાની દૂકાને પિતા માટે ટિફીન લઇને જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨: વિરપુર ઓવર બ્રિજ રવિ હોટેલ સામે બાઇક સ્લીપ થઇ જતાં જેતપુરના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના ભાઇને ઇજા થઇ હતી.

જેતપુર પીઠડીયા ટોલનાકે રહેતો અશ્વિન મનસુખભાઇ ચોૈહાણ (વાંજા) (ઉ.વ.૨૨) ગઇકાલે પોતાના ભાઇ લખન (ઉ.વ.૨૧)ને બાઇકમાં બેસાડી ગોમટા ફાટક પાસે આવેલી પોતાની પંચર સાંધવાની કેબીને પિતા માટે ટિફીન લઇને જતો હતો ત્યારે વિરપુર ઓવર બ્રિજ રવિ હોટેલ સામે બાઇક સ્લીપ થઇ જતાં બંને ભાઇઓને ઇજા થઇ હતી.જેમાં અશ્વિનને માથામાં ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે વિરપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અશ્વિન ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:38 am IST)