સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

જામકા ગામે ૬૦ વર્ષના વૃદ્ધાને દિપડો ખાઈ ગયો

વાંગધ્રા ગામે બે દિ' પહેલા જ બાળક ઉપર હુમલો કર્યા પછી ફરી ખાંભા પંથકમાં જ ત્રાટકયો

અમરેલી, તા. ૨ :. ખાંભાના વાંગધ્રા ગામે બે દિવસ પહેલા અઢી વર્ષના બાળક ઉપર હુમલો કર્યા બાદ આજે દિપડો જામકા ગામના ૬૦ વર્ષના વૃદ્ધાને ખાઈ જતા ખાંભા પંથકમાં ફફડાટ ફેલાયો છે.

વિગત એવા પ્રકારની છે કે સમી સાંજના ખાંભાના જામકા ગામે સાણા અને ડુંગર તરફ જવાની સડક ઉપર આવેલી ધીરૂભાઈ ભવાનભાઈ ડાભીની વાડીમાં દિપડો ત્રાટકયો હતો તે વાડીમાં જામકા ગામના કપાસ વિણવા ગયેલા દિવાળીબેન ભવાનભાઈ (ઉ.વ. ૬૦)ને ઉઠાવી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ વૃદ્ધાને દિપડો ખાઈ પણ ગયો હતો અને આ ઘટનાની જાણ થતા આરએફઓ રાજલ પાઠક જામકા દોડી ગયા હતા. જ્યારે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા તંત્રને બનાવની જાણ કરવામાં આવી હતી અને વન વિભાગને તાકીદે દિપડાને પકડી પરિવારને સહાય આપવા સૂચના આપી હતી. જાણવા મળતી માહિતી અનુસાર દિપડો આ વૃદ્ધાને એક કલાક સુધી ખાતો રહ્યો હતો.

બગસરામાં ૨૦ હજારની ચોરી

બગસરાના શિલાણા ગામે રહેતા પારસભાઈ પુનાભાઈ મોરી (ઉ.વ. ૨૧) તથા તેના મોટા બાપુ બાઈક લઈ બગસરા મધ્યસ્થ સહકારી બેન્કમાં આવીને રૂ. ૨૦,૦૦૦ ઉપાડેલ હતા. પૈસા લઈ બાઈકની ડેકીમાં થેલી રાખી બેંક ઓફ ઈન્ડીયામાં રૂ. ૨૦૦૦૦ ઉપાડી બાઈક લઈ શાકમાર્કેટમાં જઈ બાઈકની ડેકી ખોલતા થેલીમાં રૂ. ૨૦,૦૦૦ ન હતા અને પૈસા મધ્યસ્થ બેન્ક પાસેથી કોઈ બે અજાણ્યા શખ્સો ચોરી ગયાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ડુંગરમાં આપઘાતનો પ્રયાસ

ડુંગર ગામે રહેતી મનિષાબેન સતીષભાઈ બોરીચા (ઉ.વ. ૩૦) છેલ્લા બે વર્ષથી માનસિક બિમાર હોય, મગજમાં કંઈક થવા લાગતા રૂમમાં જઈ ગળાફાંસો ખાવાની કોશિષ કરતા પતિ જોઈ જતા તાત્કાલીક નીચે ઉતારી હતી. પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે મહુવા ખાનગી દવાખાને ખસેડવામાં આવેલ છે.

જીવાપરની સગીરાને ભગાડી

ખાંભા તાલુકાના જીવાપર ગામે રહેતી સગીરાને લલચાવી-ફોસલાવી બદઈરાદે તે જ ગામે રહેતા અશોક દડુ પરમાર ભગાડી ગયાની સગીરા પિતાએ ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:57 pm IST)