સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

વઢવાણમાં ૩૮ કરોડના સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થવાના આરે

અંદાજે ૪ કરોડ લિટર પાણીની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં ગંદા પાણીને શુધ્ધ કરાશે : ખેડૂતો, ઉદ્યોગો, બગીચાઓને મળશે

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨:સુરેન્દ્રનગર પાલિકાના અલગ-અલગ વોર્ડમાં આવેલ રહેણાંક વિસ્તારોમાંથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે ત્યારે આ પાણીનો ફરી શુધ્ધ થયાં બાદ ઉપયોગ થઈ શકે તેમજ પાણીની બચત થાય તેવાં હેતુથી પાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલીયાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી. જેને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા મુળચંદ રોડ પર અંદાજે રૂ.૩૮.૧૭ કરોડથી વધુના ખર્ચે અતીઆધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. .

અને તેની કામગીરી હાલ ચાલી રહી છે જે મોટાભાગે પૂર્ણતાના આરે છે. ત્યારે શરૂઆતના પ્રાથમિક ટ્રાયલબેઝમાં દરરોજ અંદાજે ૫૦ લાખ લીટરથી વધુ ગંદુ પાણી અહિં પાઈપલાઈન મારફતે આવી રહ્યું છે અને તેને અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે. અતિ આધુનિક મશીનરી અને અદ્યતન ટેકનોલોજીનો આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને દૈનિક અંદાજે ૩ કરોડ લીટરથી વધુ ગંદુ પાણી શુધ્ધ કરવાની આ પ્લાન્ટ ક્ષમતા ધરાવે છે. જયારે આ અંગે પાલિકાના યુવા પ્રમુખના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ શહેરી વિસ્તારોમાંથી દરરોજ અંદાજે ૨.૬૦ કરોડ લીટર ગંદુ પાણી સુએઝ પ્લાન્ટમાં ઠાલવવામાં આવશે અને અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કર્યા બાદ ખેડુતો, ઉદ્યોગો તેમજ પાલિકા હસ્તકના બગીચાઓને પુરૂ પાડવામાં આવશે.

તેમજ આ પ્લાન્ટ કાર્યરત થયાં બાદ શુધ્ધ પાણીની બચત થશે તેમજ ગંદા પાણીનો યોગ્ય રીતે ઉપયોગ પણ થઈ શકશે.

(11:32 am IST)