સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

ખંભાળિયામાં યુવાનને નગ્ન કરી, શહેરમાં ફેરવતા શખ્સોની ધરપકડઃ પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરાઈ

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજરોજ સવારે ચંદુ અરજણ રુડાચ નામના એક શખ્સ દ્વારા વિવિધ મુદ્દે સોશિયલ મીડિયામાં ફેસબુક લાઈવ વિગેરે મારફતે વિડિયો શેર કરી અને ખંભાળિયાના રહીશ એવા ગઢવી ભારા જોધા ભોજાણી સહિતના પાંચ કુટુંબના સભ્યો દ્વારા ચંદુ રૂડાચનું અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો.

આરોપી શખ્સો દ્વારા ફરિયાદી ચંદુ રૂડાચને બેફામ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેનો મોબાઇલ તોડી નાખવામાં આવ્યો હતો. આટલું જ નહી આરોપી શખ્સો દ્વારા ચંદુ રૂડાચને નિર્વસ્ત્ર કરી અને શહેરના જુદા જુદા માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો. બાદમાં આ શખસો તેને ખંભાળિયા પોલિસ સ્ટેશને લઈ ગયા હતા.

 આ બનાવના અનુસંધાને ચંદુ અરજણ રૂડાચ દ્વારા ખંભાળીયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુદ્દે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હિરેન્દ્ર ચૌધરી, ડીવાયએસપી સમીર સારડા, ઇન્ચાર્જ પી.આઇ. સી.બી. જાડેજા સહિતના સ્ટાફે આ અંગે તાકીદની કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવના અનુસંધાને રેન્જ આઇ.જી. સંદીપ સિંગ આજરોજ રાત્રે ખંભાળિયા ખાતે આવ્યા હતા અને આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા- વિચારણા કરી અને આ સમગ્ર પ્રકરણની તપાસ dig shree સીધા સુપરવિઝન હેઠળ એલસીબી વિભાગને સોંપવા માટેનો હુકમ કર્યો હતો.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં દારૂ સહિતના ગુન્હામાં સંડોવાયેલ ચંદુ રૂડાચ નામના શખ્સને બે શખ્સોએ ભરબજારે નિર્વસ્ત્ર હાલતમાં ફેરવતા ભારે ચર્ચા જાગી છે. આ શખ્સને ત્યાર બાદ પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દારૂ, વરલી મટકા સહિતના જુદા જુદામાં સંડોવાયેલ ચંદુ નામના શખ્સને આજે બપોરે બે શખ્સોએ પકડી પાડયો હતો અને ત્યાર બાદ તેના તમામ કપડા ઉતારી લઈ નિર્વસ્ત્ર હાલતમાં તેને ખંભાળીયાની જુદી જુદી બજારોમાં ફેરવ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો. આ શખ્સને નિર્વસ્ત્ર હાલતમાં ફેરવતા બજારમાં મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી.

આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ સબ ઈન્સ. સી.બી. જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નિર્વસ્ત્ર હાલતમાં યુવકને લઈ જતા બે શખ્સનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. બનાવ અંગે ઈન્ચાર્જ ડીએસપી હીરેન્દ્ર ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

(11:31 am IST)