સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

હલેન્ડા બાદ ઉમરાળીમાં પણ સિંહના ધામા : ભેંસનું મારણ

રાજકોટ : સિંહના પગરવ રાજકોટથી ૩૭ કિ.મી. દુર ઉમરાળી સુધી થઇ ચુકયા છે. બે દિવસ પહેલા હલેન્ડાની સીમમાં વાછડીનું મારણ કર્યા બાદ ગઇ કાલે તેની બાજુના ઉમરાળીની સીમમાં પણ એક ભેંસનું મારણ કર્યુ હતુ. ગામના પૂર્વ સરપંચ અશોકભાઇ જળુએ જણાવ્યા મુજબ બે દિવસથી આ વિસ્તારના ખેડુતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. ગઇ કાલે રાત્રે ચારથી પાંચ જેટલા સિંહ સીમમાં જોવા મળતા ૩૦ થી ૪૦૦ લોકોના ટોળાએ વોચ રાખવી પડી હતી. દરમિયાન ગઇ રાત્રીના ર વાગ્યા આસપાસ બધાની નજર સામે વજુભાઇ બકુત્રાની ભેંસનું મારણ કરવામાં આવ્યુ હતુ. એથી આગળના સ્થળે પણ મારણ કરેલ ભુંડ જોવા મળ્યુ હતુ. સિંહની ગર્જનાઓથી આસપાસનું વાતાવરણ ભયજનક બની ગયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ કરતા ટીમ આવી હતી. પરંતુ રીપોર્ટ કરીને જતા રહેલ. ગામ લોકોની મુંજવણનું ત્વરીત નિરાકણ લાવવા કલેકટરને પણ ટેલીફોનિક જાણ કરવામાં આવી હોવાનું અશોકભાઇ જળુ (મો.૯૪૨૭૨ ૨૩૪૩૨) એ જણાવ્યુ હતુ.

(11:30 am IST)