સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 2nd December 2020

મોરબીમાં રિક્ષા ડિટેઇન કરાતા રિક્ષાચાલકોમાં નારાજગીઃ જીલ્લા પોલીસવડાએ મામલો થાળે પાડ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨: રાજયમાં દિવાળી બાદ કોરોના કેસ વધતા રાજય સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ન વધે તેના માટે રીક્ષા સહિતના પેસેન્જર વાહનોમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બેસાડવાનો નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નિયમનો ભંગ કરનાર રીક્ષા સહિતના પેસેન્જર વાહનો સામે કાર્યવાહી કરવાના જિલ્લા કલેકટરે મોરબી પોલીસને આદેશો આપ્યા છે. જેથી પોલીસે આ નિયમનો ભંગ કરતા રીક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરી રહી હતી પોલીસે નિયમ કરતા વધુ પેસેજરો બેસાડનાર રિક્ષાચાલકોની રીક્ષા ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેની સામે રીક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. રીક્ષાચાલકોનું કહેવું છે કે અમે ત્રણ પેસેન્જરો બેસાડી તો પણ પોલીસ રીક્ષા ડિટેઇન કરે છે. આ મામલે રિક્ષાચાલકો જિલા પોલીસ વડા એસ.આર. ઓડેદરા સમક્ષ રીક્ષા ચાલકોએ પોલીસ કાર્યવાહીને લઈને રજુઆત કરી હતી.

જેમાં જીલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે કોવિડ-૧૯ ગાઈડલાઇન્સના નિયમો મુજબ કાર્યવાહી થઈ રહી હોવાનું સ્પષ્ટ જણાવતા અને પેસેન્જરો બેસાડવામાં સોશિયલ ડિસ્ટનસની જાળવણી તેમજ ડ્રાઈવર સહિત પેસેન્જરોએ ફરજિયાત માસ્ક પહેરવું જ પડશે જે નિયમ મુજબ રીક્ષા ચલાવશે તેની સામે કાર્યવાહી નહી થાય ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.

(11:23 am IST)