કચ્છમાં ત્રણ સ્કૂટર અકસ્માતમાં ત્રણ મોત
ત્રણ પરિવારને ટિફિન પહોચાડે તે પહેલા યુવાનનું મોત : બહેનની નજર સામે બહેનનું મોત : બાઇક સ્લીપ થતાં તળાજાના યુવાનનું મોત
ભુજ તા. ૨ : કચ્છમાં એક જ દિવસમાં સર્જાયેલા ત્રણ અલગ અલગ સ્કૂટર અકસ્માતમાં ત્રણ યુવાન જિંદગીઓને કાળ આંબી ગયો હતો. ભચાઉના ખારોઈ ગામે પોતાના પરિવારને ટિફિન પહોચાડવા જઈ રહેલા ૨૯ વર્ષીય મનસુખ રામજી કોળીને સ્કોર્પિયો જીપે હડફેટે લેતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજયું હતું.
અંજારમાં નર્સ તરીકે ફરજ બજાવતા દૂર્ગાબેન નવઘણ આહીર તેમની બહેન દયાબેન સાથે સ્કુટી ઉપર પોતાને ગામ નિંગાળ જઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર ખાડા ને કારણે સ્કુટી સ્લીપ થતાં તેઓ બન્ને રસ્તા પર પડી ગયા હતા. ત્યારે પાછળથી આવતી કાર તેમના બહેન દૂર્ગા બેન ના પેટ ઉપર ફરી જતાં તેમનું સ્થળ ઉપર જ અરેરાટી ભર્યું મોત નિપજયું હતું.
ત્રીજા અકસ્માતમાં લખપત તાલુકાના મેઘપર ગામે બાઈક ઉપર જઈ રહેલા ભાવનગરના તળાજા ના ૨૩ વર્ષીય યુવાન કમલેશ કાકુભાઈનું બાઈક સ્લીપ થતાં મોત નીપજયું હતું. મૃતક યુવાન ખાનગી ગેસ્ટ હાઉસમાં નોકરી કરતો હતો