સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd October 2018

'ક' કચ્છનો 'ક''ખ' ખમીરનો 'ખ' પરંતુ વડાપ્રધાન અછતનો 'અ' પણ ન બોલ્યા!!

ભુજ, તા.૨: મુખ્યમંત્રીનુ પદ્દ હોય કે ત્યાર પછીની લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીની વડાપ્રધાન તરીકેની સફર કચ્છીઓએ હમેંશા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માન સાથે પોતાના માથા ઉપર બેસાડ્યા છે, અને તેથીજ નરેન્દ્રભાઈ કચ્છમાં આવે ત્યારે મન ખોલીને વાત કરી કચ્છના ભરપુર વખાણ કરવાની સાથે પોતાના કચ્છ સાથેના આત્મીય સબંધોને યાદ કરે છે અને તેવુજ આ વખતે થયુ મુખ્યમંત્રી કચ્છના અંજાર ખાતે રવિવારે વિકાસકામોના ખાતમુહર્ત સાથે જાહેરસભાને સંબોધનની શરૂઆત કચ્છીઙ્ગ ભાષામાં કરી અને સૌને રામરામ કર્યા. ત્યાર બાદના ભાષણોમાં પણ કચ્છના પ્રવાસન,ઔદ્યોગીક વિકાસ અને કચ્છના ખમીરની વાતો કરી પરંતુ કદાચ નરેન્દ્રભાઈ વિકાસની વાહવાહમાં કચ્છીઓની અછતની પીડામાં સાંત્વના આપવાનુ ભુલી ગયા!!. તેમણે નર્મદાની વાત સાથે ભૂતકાળના દુષ્કાળને યાદ કર્યા. કચ્છ પર જયારે જયારે આફત આવી છે. ત્યારે વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા કચ્છની ચિંતા કરી છે. અને તેથીજ કચ્છ આવે ત્યારે તેના ભૂતકાળના કિસ્સાઓનુ સંસ્મરણ કરવાનુ તેઓ ચુકતા નથી અને એટલેજ કચ્છ સાથેના તેમના આત્મીય સંબધોની વાત સભામાં પણ કહ્યુ કે જે રીતે કચ્છ બહાર વસતા કચ્છીઓ એકવાર વર્ષમાં વતન આવે છે. તેમ તેમને પણ વર્ષમાં એકવાર કચ્છ આવવાનું મન થાય છે. કચ્છનો આભાર માનવા સાથે વડાપ્રધાને કહ્યુ કે કચ્છને વિશ્વફલક પર લઇ જવા માટે તેમને દ્રઢતા સાથે નવી બારાખડી દુનીયાને દેખાડવાનો વિશ્વાસ હતો અને આજે ક કચ્છનો ક અને ખ ખમીરના ખ સાથે સમગ્ર દેશમાં કચ્છ છવાયેલુ છે. પરંતુ અછતની જયારે કચ્છમાં સ્થિતી છે. ત્યારે લોકોને અપેક્ષા હતી કે વડાપ્રધાન અછતગ્રસ્ત કચ્છીઓને શબ્દોથી હિંમત આપશે પરંતુ તેવુ ન થયુ અને સંવેદના દર્શાવી વડાપ્રધાને કચ્છીમાડુઓની લાગણી જીતવાનો પ્રયત્ન ન કર્યો. જો કે તે કદાચ સ્થાનીક નેતાગીરીની અણઆવડત પણ ગણી શકાય. નહી તો તેઓ વડાપ્રધાનને કચ્છની અછતની સ્થિતીથી વાકેફ કરી શકયા હોત.મોદીની આ જાહેરસભામાં ૩૦,૦૦૦થી પણ વધુ જનમેદની ઉમટી હતી અને સેંકડો લોકો તો ડોમ બહાર પણ ઉભા રહ્યા હતા.કચ્છના વર્તમાન વિકાસથી કચ્છની ભુતકાળની પરિસ્થિતી કચ્છના સાહસ,કચ્છના પ્રવાસન અને કચ્છની ખમીરીનો વડાપ્રધાને પોતાના ભાષણમાં અનેકવાર ઉલ્લેખ કર્યો અને તેના પર સતત તાળીઓ પડતી રહી.

(3:57 pm IST)