સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

મોરબી કોરોનામાં અનાથ બનેલા બાળકો સાથે ભોજન-વાર્તાલાપ કરતાં નાગરિક પુરવઠા મંત્રી રાદડીયા

સંવેદના દિવસે બાળકો સાથે ભોજન કરી કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનો અંગે સંવેદના વ્યક્ત કરી

મોરબી : સંવેદના દિવસ અંતર્ગત મોરબી ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં પધારેલા અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગના મંત્રી જયેશભાઇ રાદડીયાએ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કોરોના કાળમાં અનાથ થયેલા બાળકો સાથે ભોજન કરીને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
મોરબી એપીએમસી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોના કાળમાં જે બાળકોના માતા-પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને ૪૦૦૦ તેમજ એકવાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને દર મહિને ૨૦૦૦ રૂપિયા સહાય બાળક ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી ચૂકવવાના સંવેદનાસભર નિર્ણય અંગે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આ સહાય જાહેર કરવાના નિર્ણયને ઐતિહાસીક ગણાવ્યો હતો. મંત્રી જયેશભાઇ રાદડીયાએ સેવાસેતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કોરોના કાળમાં જેમના માતા-પિતા અવસાન પામેલ તેવા અનાથ બાળકો સાથે ભોજન કરી સ્નેહપૂર્ણ વાર્તાલાપ કર્યો હતો.
આ વેળાએ મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી જયુભા જાડેજા, શહેર ભાજપ સંગઠન પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, અધિક કલેક્ટર એન.કે.મુછાર, મોરબી પ્રાન્ત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ પણ બાળકો સાથે ભોજન લઇ સ્નેહભાવ વ્યક્ત કર્યો હતો

 

(9:59 pm IST)