બામણબોર પાસે ફોર્ચ્યુનર કારે એકટીવાને ઉલાળતા બે મિત્રો ઘવાયાઃ શુભમ મોરીનું મોત
કુવાડવા રહેતો યુવાન મિત્ર સાથે થાનથી પરત આવતી વખતે બનાવઃ પરિવારમાં આક્રંદ
રાજકોટ, તા. ૨ :. બામણબોર નજીક બે દિવસ પહેલા ફોર્ચ્યુનર કારના ચાલકે એકટીવાને ઠોકર મારતા કુવાડવા ગામના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પીટલમાં મોત નિપજ્યુ હતું.
મળતી વિગત મુજબ થાનગઢનો વતની હાલ કુવાડવા ગામમાં ભાડે રહેતો શુભમ હરેશભાઈ મોરી (ઉ.વ. ૨૫) પરમ દિવસે મિત્ર ચીરાગ સાથે એકટીવા લઈને થાનગઢ ગયા હતા બાદ કામ પૂર્ણ કરી પરત કુવાડવા આવતા હતા ત્યારે બામણબોર નજીક પહોંચતા ફોર્ચ્યુનર કારના ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારતા બન્ને ફંગોળાઈ ગયા હતા. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા બા કોઈએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી મિત્ર તથા શુભમને વોકહાર્ટ હોસ્પીટલમાં ખસેડયા હતા. ત્યાં ગઈકાલે રાત્રે શુભમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. વિક્રમસિંહ સોલંકીએ ફોર્ચ્યુનર કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક શુભમ કુવાડવા ગામમાં ભાડે રહી પ્રાઈવેટ નોકરી કરતો હતો તે અપરણિત હતો. તે બે ભાઈમાં મોટો હતો. યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.