સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

અંજાર ભુજ હાઇવે ઉપર ચાલતી મોટી જુગાર કલબ ઉપર સ્‍ટેટ વિજિલન્‍સનો દરોડો : ૧૭ ખેલીઓ સાથે લાખોનો મુદ્દામાલ કબ્‍જે

પદ્ધર કે રતનાલએ પોલીસ સ્‍ટેશનની હદ નક્કી કરવામાં પોલીસ વચ્‍ચે ગજગ્રાહ : અંતે તલાટી તેમ જ ગામના રેકર્ડના આધારે પદ્ધર પોલીસની હદ નકકી કરાઇ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨:  ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્‍થિત વચ્‍ચે કચ્‍છમાં સ્‍ટેટ વિજિલન્‍સ ટીમે પાડેલા દરોડામાં મોટી જુગાર ક્‍લબ ઝડપાઈ છે.

જોકે, પોલીસ સ્‍ટેશનની હદ નક્કી કરવામાં ગજગ્રાહ થયા બાદ મોડે સુધી ચાલેલી કાર્યવાહીના કારણે સત્તાવાર વિગતો મોડેથી મળશે. પણ, બિન સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ ૧૭ ખેલીઓ સાથે ૧૦ લાખથી વધુ રોકડ, વૈભવી કારો ના કાફલા સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત થયો છે. અંજાર ભુજ હાઈવે ઉપર ચૂબડક ગંઢેર ગામની વચ્‍ચે આવેલ વાડી વિસ્‍તારમાં આ જુગાર ક્‍લબ ધમધમતી હતી.

જોકે, રતનાલ (અંજાર) કે પદ્ધર (ભુજ) એમ પૂર્વ અને પશ્ચિમ કચ્‍છના પોલીસ સ્‍ટેશન ની હદ નક્કી કરવામાં ગજગ્રાહ થયો હતો. અંતે તલાટી અને જમીનના રેકર્ડ અનુસાર પદ્ધર (ભુજ) પોલીસ સ્‍ટેશનની હદ નક્કી થતાં ત્‍યાં મોડીરાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી.

(11:45 am IST)