સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 2nd August 2021

કચ્છમાં પોલીસની નાઇટ પેટ્રોલીંગ એપ અને અરજદારો માટે ઈ મુલાકાત ઝૂમ એપનું લોન્ચિંગ કરતાં પ્રદીપસિંહ જાડેજા

અરજદારો હવે પોલીસ સ્ટેશનથી સીધા ડીએસપીને ઝૂમ એપ દ્વારા રજૂઆત કરી શકશેઃ સરહદી સુરક્ષાની સમીક્ષા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: રાજય સરકારના પાંચ વર્ષની ઉજવણી માટે કચ્છના પ્રવાસે આવેલા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. ભુજમાં કલેકટર કચેરી મધ્યે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પશ્ચિમ કચ્છ જિલ્લાની સરહદી અને દરિયાઇ સુરક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં બોર્ડર રેંજના આઈ.જી.શ્રી જે.આર.મોથલિયા અને પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંદ્ય તેમજ સબંધિત પોલીસ અધિકારીઓ સાથે ગૃહરાજયમંત્રીશ્રીએ હેઠળ કચ્છમાં થતાં ગુનાઓ અને ચોરીઓ, ભ્રષ્ટાચાર, ભેળસેળ બાબતે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જરૂરી વિગતો જાણી સૂચનો કર્યા હતા.

ભુમાફિયા, બાયોડિઝલ ભેળસેળ અટકાવવા રાજય સરકાર કામગીરી કરશે તેમજ દરિયાઇ સીમાથી જોડાયેલ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃતિ ન થાય અને સલામતી જળવાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સલામતી અત્યંત મહત્વપૂર્ણ છે તેમ મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતુ.

ગૃહ રાજયમંત્રીશ્રીએ પશ્ચિમ કચ્છમાં પોલીસ, આર્મી, બી.એસ.એફ. કોસ્ટગાર્ડ બાબતે તેમજ વાહન ચોરી, ઘરફોડ લૂંટ, ધરપકડ, ખનીજ ચોરી, પવન ચક્કી ગુના, ટ્રાફિક સમસ્યા બાબતે પોલીસ અધિકારીશ્રી તેમજ જનપ્રતિનિધિશ્રી સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, અગ્રણી કેશુભાઇ પટેલ સાથે પણ ચર્ચા કરી હતી.

પશ્ચિમ કચ્છમાં મુન્દ્રાના પ્રાગપર, માંડવીના કોડાય અને ભુજ બી ડીવીઝનના માધાપર ખાતે બનનારા પોલીસ સ્ટેશન અંગે જાણ કરી હતી. રૂ.૩૧૯ કરોડનો રાજય સરકારના સીસીટીવી કેમેરાના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ જિલ્લામાં હવે કુલ કાર્યરત કેમેરાની સંખ્યા ૩૮૭ થશે એમ પણ જણાવાયું હતું.

આ તકે ગૃહ રાજયમંત્રીશ્રીએ અરજદારો પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનથી સીધા જ પોલીસ અધિક્ષકશ્રી સાથે ક્ષ્બ્બ્પ્ ખ્ષ્ટષ્ટશ્રર્જ્ઞ્ણૂીદ્દજ્ઞ્ંઁ મારફતે ફૂ-પ્યર્શ્રીત્ત્ર્ીદ્દ દ્વારા પોતાની રજુઆત કરી શકે તે માટેના ઈ-મુલાકાત પ્રોજેકટનું અનાવરણ કર્યુ હતું.

આ સાથે તેમણે પોલીસ અધિકારીઓની નાઇટ પેટ્રોલીંગનું મોનીટરીંગ અને કામગીરી માટેના નાઈટ પેટ્રોલીંગ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું પણ અનાવરણ કર્યુ હતું.

ગૃહરાજયમંત્રીશ્રીએ ભુજ શહેરમાં મહિલા, બાળકો, સીનીયર સીટીઝનોની સુરક્ષા સેવા માટે કાર્યરત વીરાંગના સ્પેશ્યલ ફોર્સની ૮ મહિલા પોલીસ કર્મીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

આ બેઠકની તેમજ જિલ્લાની કાયદા વ્યવસ્થા બાબતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, શાંતિ સલામતીની દષ્ટિએ કચ્છ રોજગારી અને રોકાણ માટે શ્રેષ્ઠ સ્થાન છે વિકાસની સીમા સર કરતા વિશ્વે કચ્છની નોંધ લીધી છે.

આ બેઠકમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, આર.એ.સી. કુલદીપસિંહ ઝાલા, આઇ.બી.ના એસ.પી.શ્રી ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી સર્વશ્રી જે.એન.પંચાલ, બી.એમ.દેસાઇ, એ.એ.પંડયા, શ્રી યાદવ તેમજ એલસીબી અને એસઓજી અને આઇ.બી.ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(10:01 am IST)