સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

મોરારી બાપુની હાકલથી ૧૮.૬૧ કરોડ એકત્ર થયા

રામ મંદિર માટે દાનની અપીલ કરી હતી

ભાવનગર, તા. ૨ : તલગાજરડામાં કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. લોકો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી રામકથાનો લાભ લઈ રહ્યા છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે થોડા દિવસો અગાઉ મોરારી બાપુએ ચાલુ કથાએ ૫ કરોડ રૂપિયા એકત્ર કરવાની અપીલ શ્રોતાઓને કરી હતી. જો કે ૫ કરોડના બદલે અલગ અલગ દેશો અને આપણા દેશના અનેક હિસ્સાઓમાં રહેલા ભક્તોએ ૧૮.૬૧ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.  મોરારી બાપુએ કથામાં વ્યાસપીઠ પરથી જણાવ્યું કે જે આપણે તુલસીપત્ર પ્રભુની સેવામાં રાખ્યું છે, તેની છેલ્લી યાદી ગઈકાલ રાત સુધીની અવધી રાખી હતી. આપણા દેશમાં કાલે વધી પુરી થઈ ત્યાં સુધીમાં ૧૧ કરોડ ૩૦ લાખ ૧૦ હજાર રૂપિયા પ્રભુસેવામાં અર્પણ કરેલા છે. યુકે અને યુરોપમાંથી ૩ કરોડ ૨૦ લાખ ૮૦ હજાર રૂપિયા એકત્ર થયા છે. અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાંથી ૪ કરોડ ૧૦ લાખ ૧૦ હજાર રૂપિયા એકત્ર થયા છે. કુલ રકમ ૧૮ કરોડ ૬૧ લાખ રૂપિયા ભક્તોએ પ્રભુ રામને અર્પણ કર્યા છે.

(10:33 pm IST)