સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

સાવરકુંડલામાં વૃદ્ધ દંપત્તિની કુવામાં ઝંપલાવી આત્મહત્યા

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા : બે આધેડ દિકરાના સગપણ ન થતાં મા-બાપની આત્મહત્યા

અમરેલી, તા.૨ : આધેડ દીકરાઓ કુવારા હોય અને ક્યાંય સગપણ ના થતાં લાગી આવતા વૃદ્ધ દંપતી સજોડે ગામની સીમમાં કૂવામાં કૂદીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ સાવરકુંડલાના જેસર રોડ પર રહેતા વૃદ્ધ દંપતી નાથાભાઈ જયાણી (ઉંમર-૭૫ વર્ષ) અને પત્ની વિમળાબેન (ઉંમર-૭૨ વર્ષ) બંનેએ એકસાથે ધજડીના માળ વિસ્તારમાં આવેલી પોતાની વાડીએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં વૃદ્ધ દંપતીના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ જેસર રોડ પર નંદીગ્રામ સોસાયટીમાં રહેતા અને ખેતીનું કામ કરતા મૃતક દંપતીના પુત્ર સુરેશભાઈએ પોલીસને જણાવ્યું કે, અકાળા ગામે દીકરીના ઘરે જઈએ છીએ તેમ કહીને નીકળ્યા હતા.

            તેના ૪૦ અને ૪૫ વર્ષના બે ભાઈઓનું વેવિશાળ કરવાનું હતું. પરંતુ ક્યાંય મેળ ન પડતા માતા-પિતા સતત ટેન્શનમાં રહેતા હતા અને અંતે તેઓએ આ પગલું ભર્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને પુત્રોની લગ્ન માટે ખૂબ જ પ્રયત્નો કરવા છતાંય પણ સગપણ થતાં નહોતા. બંને પુત્રોની આટલી ઉંમર હોવા છતાં પણ ક્યાય સગાઈ ન થતા માતા-પિતાને લાગી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ૩૦મી જુલાઈ સાંજના ચાર વાગ્યે બંને પુત્રીના ગામે જવાનું કહીને નીકળ્યા હતા, પરંતું તેઓ દીકરીના ઘરે જવાને બદલે વાડીએ આવી પહોંચ્યા હતા અને વાડીમાંના કૂવામાં ઝંપલાવી દીધું હતું. કૂવામાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરવાની ભારે અરેરાટી ફેલાઈ હતી.

(10:32 pm IST)