સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 2nd August 2020

કોરોનાએ કચ્છમાં વધુ એક ભોગ લીધો: આજે વધુ ૧૬ કેસ સાથે કુલ 566 : મૃત્યુ આંક 29

ચૂંટણી માટે કચ્છ આવેલા ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના પોઝિટિવ આવતાં કચ્છના કોંગ્રેસના આગેવાનોમાં ફફડાટ, રાપર પાલિકાના મહિલા પ્રમુખને કોરોના, ભુજના ત્રણ કેસ હજી ચોપડે ચડ્યા નથી

ભુજ : કચ્છમાં કોરોનાએ ફફડાટ મચાવ્યો છે. આજે અંજારના  કોરોનાના દર્દી કાંતાબેન સુથારનું મોત નીપજ્યું છે. તો, ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાને કોરોના પોઝિટિવ ડિટેકટ થતાં કચ્છ કોંગ્રેસમાં ફફડાટ મચી ગયો છે. અબડાસા બેઠકની ચૂંટણી માટે પ્રભારી તરીકે સી.જે. ચાવડા કચ્છમાં પ્રવાસ કરીને ચૂંટણીના દાવેદારો તેમ જ કચ્છ કોંગ્રેસના આગેવાનોને મળ્યા હતા. બેઠક પણ યોજી હતી. જેને પગલે કચ્છ કોંગ્રેસના અસગેવાનોમાં ફફડાટ મચી ગયો છે. કચ્છના નવા પોઝિટિવ  કેસોમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન રમેશ શીયારીયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે, તેઓ અમદાવાદ સારવાર માટે ગયા છે.  ભુજના કોટ અંદરના સોનીવાડ વિસ્તાર, રામનગરી અને આર્મીમાં મળીને ૩ કેસ નોંધાયા છે, અંજારમાં શાકભાજી વેચનાર મહિલા અજીબેન દેવજી હડીયાને કોરોના થતાં તેમની પાસેથી શાકભાજી ખરીદનારાઓને સેલ્ફ ક્વોરેન્ટાઈન થવા અંજાર પાલિકાએ અપીલ કરી છે, તો અંજારના ગાયનેક ડો. અમિત પટેલ અને આદિપુરના ડેન્ટિસ્ટ ડો. પ્રશાંત કલ્યાણીને કોરોના ડિટેકટ થતાં તેમની પાસે સારવાર લેનારાઓને સેલ્ફ ક્વોરેન્ટાઈન થવું પડશે.

કચ્છમાં અત્યાર સુધી એક્ટિવ કેસ ૧૭૮ છે, આજે ૧૬ કેસ સાથે કુલ કેસ ૫૬૬ થયા છે, તો એક વધુ મોત સાથે મોતની સંખ્યા ૨૯ થઈ છે, કોરોનાના કહેર વચ્ચે કોરોનાને હરાવીને સાજા થનારાની સંખ્યા વધીને ૩૫૯ થઈ છે. જોકે, ભુજની લોટ્સ સોસાયટીના ત્રણ પોઝિટિવ કેસ હજી સરકારી ચોપડે ચડ્યા નથી

(10:23 pm IST)