સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

વિજળી પડવાથી અવસાન પામેલ ચુડા તાલુકાના ૨ મૃતકોના પરિવારજનોને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સહાયનું વિતરણ

જિલ્લા વહીવટીતંત્ર સુરેન્દ્રનગરની ત્વરિત કામગીરી, વીજળી પડવાથી અવસાન પામેલા મૃતકોના વારસદારોને વ્યક્તિદીઠ ૪ લાખની સહાયની ચુકવણી: કુલ ૮ લાખની સહાય ચૂકવાઈ

સુરેન્દ્રનગર :વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ચુડા તાલુકામાં વીજળી પડવાથી જીવ ગુમાવનાર ૨ વ્યક્તિઓના પરિવારજનોને આજે ચુડા મામલતદાર કચેરી ખાતે રાહત ફંડમાંથી આર્થિક સહાયનું વિતરણ કર્યું હતું. તા. ૩૦ જૂન, ૨૦૨૨ના રોજ ચુડા ખાતે  મહેશભાઇ રૂપસંગભાઈ કાવેઠીયા તથા ચુડાતાલુકાના મીણાપુર ગામના  લાભુભાઈ ઠાકરશીભાઈ ઘાડવી વીજળી પડવાથી અવસાન પામ્યા હતા. વીજળી પડવાની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યક્તિઓના પરિવાર પ્રત્યે મંત્રીશ્રીએ સંવેદના વ્યક્ત કરી હતી તેમજ NDRF તથા SDRF રાહત ફંડમાંથી આર્થિક સહાયનું વિતરણ કર્યું હતું. 

   ગામના વીજળી પડવાથી અવસાન પામેલા ૨ મૃતકોના વારસદારોને પ્રતિ વ્યક્તિ રૂ. ૪ લાખની સહાય લેખે કુલ રૂ. ૮ લાખની સહાય આજે મંત્રીના હસ્તે ચૂકવવામાં આવી હતી. વીજળી પડવાના કારણે પરિવારજનો ગુમાવનાર પરિવારોને મદદરૂપ થવા સરકારની જોગવાઈ અંતર્ગત વહીવટી તંત્રે રાહત કામગીરીના ભાગરૂપે અવસાન પામેલ વ્યક્તિઓના વારસદારોને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જેના ભાગરૂપે ચુડા તાલુકાના મૃતકના વારસદારોને મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે તા.૨ જૂન ના રોજ કુલ રૂ.૮ લાખની સહાય ચૂકવવામાં આવી. કુદરતી આપત્તિઓ જેવી કે ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, વાદળ ફાટવું, દુકાળ, ભૂકંપ, સુનામી, આગ તેમજ કમોસમી વરસાદ, આકાશીય વીજળીથી થતાં નુકશાન તેમજ માનવ મૃત્યુના કેસમાં સરકાર મૃત્યુ પામેલ વ્યક્તિ દીઠ રૂપિયા ૪ લાખની સહાય ચૂકવવાની જોગવાઈ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્રએ ત્વરિત કામગીરી દાખવી આકાશીય વીજળી પડવાથી મૃત્યુ પામવાના કિસ્સામાં ત્વરિત સહાય ચૂકવી છે.

(1:15 am IST)