સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

વાંકાનેરનાં બે કારખાનાઓમાંથી વિજ ચોરી ઝડપાઈ : વીજ વિભાગની ટીમે દરોડો પાડી કારખાનામાંથી રૂ.૮૭ લાખની વીજ ચોરી પકડી બંનેને દંડ ફટકાર્યા

વીજ વિભાગે મે. તાસ્‍કીન એન્‍ટરપ્રાઈઝ તથા મે. રાજા કેટલફીડનાં ૧૦૦ કિલોવોટ વીજભાર ધરાવતા ઔદ્યોગિક એકમોનાં વીજ જોડાણની ચકાસણી કરતા બંનેની પોલ ખુલી

મોરબી તા.૦૨ : પી.જી.વી.સી.એલ. દ્વારા સૌરાષ્ટ્ર-કચ્‍છમાં છેલ્‍લા કેટલાય સમયથી વીજ ચોરી અટકાવવા માટે સઘન વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્‍યુ છે. જેને લઈ મોરબીનાં વાંકાનેરમાં આવેલ બે કારખાનામાં બાતમીનાં આધારે દરોડ પાડવામાં આવ્‍યો હતો. જેમાં ૧૦૦-૧૦૦ કિલોવોટનો વીજાભાર ધરાવતા મે. તાસ્‍કીન એન્‍ટરપ્રાઈઝ તથા મે. રાજા કેટલફીટ નામનાં ઔદ્યોગિક એકમોનાં વીજ જોડાણ ચકાસતા રૂ. ૪૫.૧૭ લાખ તથા રૂ.૪૧.૧૭ લાખ મળી કુલ રૂ.૮૭ લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.

પીજીવીસીએલ રાજકોટ વર્તુળ કચેરીને મળેલી બાતમીને આધારે વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલા બે કારખાનામાં વીજ ટીમોએ દરોડા પાડ્યો હતો. જે દરમિયાન વીજચોરીનું કારસ્તાન ઝડપી લઈ રૂપિયા 87 લાખનો દંડ ફટકાર્યો છે.

પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વીજ લોસ ઘટાડવાના ઉદેશથી સઘન વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જે અન્વયે પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલા બે ઔધોગિક એકમોમાં ગેરરિતી થતી હોવાની બાતમીના આધારે અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરીના માર્ગદર્શન હેઠળ જીયુવીએનએલ તથા પીજીવીસીએલની ટીમો દ્વારા મે. તાસ્કીન એન્ટરપ્રાઈઝ 100 કિલોવોટ તથા મે. રાજા કેટલફીડના 100 કિલોવોટ વીજભાર ધરાવતા ઔધોગિક એકમોના વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી.

આ દરમિયાન મીટર પેટી પર લાગેલા પ્લાસ્ટીક શીલ શંકાસ્પદ જણાયા હતા. જેથી વીજ કંપની દ્વારા બન્ને વીજ જોડાણોના મીટર વધુ લેબ પરિક્ષણ અર્થે કબજે લીધા હતા. ત્યારબાદ લેબ પરિક્ષણ કરતાં મીટરના વાયરીંગ સાથે ચેડા કરેલા હોવાનું માલુમ પડ્યું હતું. આથી ઈલેક્ટ્રીસીટી એક્ટ-135ની કલમ મુજબ મે. તાસ્કીન એન્ટરપ્રાઈઝને રૂ. 45.17 લાખ તથા મે.રાજા કેટલફીડને રૂ. 41.17 લાખ એમ કુલ મળી રૂ. 87 લાખનો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યો છે. જેથી વાંકાનેર તાલુકામાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(8:44 pm IST)