સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

'વંદે ગુજરાત' અંતર્ગત કચ્છના ૮૦ ગામ અને ૭ નગરપાલિકામાં ત્રણ વિકાસ રથ તા.૫ થી ૧૯ જુલાઈ સુધી લોકકલ્યાણ માટે ફરશે

રૂ.૧૨ કરોડના ૫૩૯ કામો પ્રત્યેક તાલુકા દીઠ વિવિધ ગ્રાન્ટ યોજના અન્વયે કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ઉજવાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને પ્રજા સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યના તારીખ ૫ થી ૧૯મી જુલાઈ ૨૦૨૨ સુધી ૧૫ દિવસ માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે.આ બાબતના આયોજન માટેની   નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે  બેઠક યોજાઇ હતી. તેમણે સંબંધિત સર્વે અધિકારીશ્રીઓને જિલ્લાના ૮૦ ગામ અને ૭ નગરપાલિકાઓમાં લોકો કલ્યાણ અર્થે ફરનારા રથના સુચારું આયોજન બાબતે વિગતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી હતી. રૂ. ૧૨ કરોડના ૫૩૯ કામો પ્રત્યેક તાલુકામાં  વિવિધ ગ્રાન્ટ યોજના અન્વયે કરાશે .તેના પ્રચાર પ્રસાર અને લોક લાગણીને ધ્યાને લઈને અમલવારી કરવા શ્રી જાડેજાએ જરૂરી બાબતોનું પૃથ્થકરણ પણ કર્યું હતું .

             ભુજ ,અંજાર ,નખત્રાણા તાલુકાએથી પ્રારંભ જિલ્લામાં ફરનારા ત્રણ વિકાસ રથના વંદે ગુજરાત કાર્યક્રમનું સમાપન રાપર ખાતે કરાશે. કાર્યક્રમના નોડલ ઓફિસરશ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હરેશભાઈ મકવાણા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરશે. આ કાર્યક્રમમાં સંબંધિતો વચ્ચેસંકલન અને  સંવાદિતા જળવાય તે જોવાય તેમ પણ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ કહ્યું હતું
            જ્યારે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા જણાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં ત્રણ વિકાસ રથના  ત્રણ નોડલ અધિકારીશ્રી તરીકે શ્રી જે.એ.બારોટ, શ્રી હર્ષદભાઈ રાઠોડ, ડૉ.એચ.એમ.ઠક્કર  પોતાની ફરજ નિભાવશે.
          આ કાર્યક્રમ સાથે આયુષ્યમાન કાર્ડ વગેરે લાભાર્થીઓને અપાશે. વંદે ગુજરાત વિકાસ યાત્રાના દિવસે સવારે પ્રભાતફેરી ,યોગાભ્યાસ ,વૃક્ષારોપણ કરાશે તેમજ બપોરે ૧થી ૪ વાગ્યા દરમિયાન આયુષ્યમાન ભારત પી.એમ.જે. એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ કેમ્પ યોજાશે. આયુષ્યમાન ભારત દ્વારા પી.એમ.જે. એ.વાય. અપડેશન કરાશે. વંદે ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાશે.
               જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન વિવિધ વિકાસાત્મક  કાર્યોનું લોકાર્પણ, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે .આ ઉપરાંત કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ,  નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ, કેવાયસી દ્વારા અપડેટેશન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ જેવા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
      દરેક ગામમાં જ્યાં રથનું પ્રસ્થાન થવાનું છે ત્યાં સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણના કાર્યક્રમો ઉપરાંત પાણીનો યોગ્ય ઉપયોગ અને પાણી બચાવવા અંગેની સમજ પશુ સારવાર કેમ્પ, આંગણવાડીઓમાં પૂરક આહાર, વાનગી નિર્દેશન, પશુઓમાં રસીકરણ,કોરોના રસીકરણ કેમ્પ  સહિતના કાર્યક્રમો પણ થશે.
     આમ આ વિકાસ યાત્રા જનસેવાની યાત્રા બની રહેશે. વંદે ગુજરાત વિકાસ યાત્રામાં લોકો જોડાય તે માટે ઉપરાંત તેમને મળવાપાત્ર લાભો મળી રહે તે માટે અધિકારીઓ કાર્યક્રમ પૂર્વે ગામોની મુલાકાત લેશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને  પંચાયતના જન પ્રતિનિધિઓ ,સરપંચો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રણીઓ જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
               આ બેઠકમાં પ્રાંત અધિકારી સર્વશ્રી શ્રી પ્રવિણસિંહ જૈતાવત-અબડાસા,  શ્રી મેહુલ દેસાઈ-અંજાર, શ્રી મેહુલ બરાસરા- નખત્રાણા, શ્રી અજય ચૌધરી-ભચાઉ, શ્રી પી.ટી. પ્રજાપતિ -માંડવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આસ્થાબેન સોલંકી, સીવીલ સર્જનશ્રી ડૉ. કશ્યપ બુચ, નોડલ અધિકારીશ્રી ડૉ.એચ.એમ.ઠક્કર, જીલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.ચાવડા ,તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી , તેમજ સંબંધિત સર્વે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:05 am IST)