સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd July 2020

ગોંડલ તાલુકાને ફાળવાયેલ મોબાઇલ પશુ દવાખાનુ કાર્યરત : સારો પ્રતિસાદ

મોટા દડવા, બિલડી, વાસાવડ, ઘોઘાવદર, કેશવાળા, વાછરા, બંધીયા, દડવા હમીરપરા, કરમાળ કોટડા અને ખાંડાધાર ગામોને સેવા મળતી થઇ

ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલનને ઉત્તેેજન આપવા માટે રાજય સરકાર દ્વારા ૧૦ ગામો દીઠ એક મોબાઇલ પશુ દવાખાનું ગ્રામ્ય પશુપાલકોની સુવિધા માટે કાર્યરત કરાયું છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ૧૦ ગામો વચ્ચે આવી જ એક વેટરનરી મોબાઇલ ડીસ્પેન્સરી કાર્યરત કરાઇ છે. જેનો લાભ સંબંધિત ગામો ઉપરાંત આસપાસના ગામોના પશુપાલકો પણ લઇ રહયા છે.

ગોંડલ તાલુકાના મોટા દડવા, બિલડી, વાસાવડ, ઘોઘાવદર, કેશવાળા, વાછરા, બંધીયા, દડવા હમીરપરા, કરમાળ કોટડા અને ખાંડાધાર ગામો વચ્ચે સવારે ૭ થી સાંજના ૭ સુધી આ મોબાઇલ પશુ દવાખાનું ફરે છે અને જે પશુપાલકોને તેમના પશુઓ અંગે કોઇ પણ તકલીફ હોય તો તેનું નિવારણ સ્થળ પર જ કરે છે. એક મોબાઇલ ડીસ્પેન્સરીમાં એક પશુ ડોકટર અને એક ડ્રાઇવર મળી બે વ્યકિતની ટીમ પશુઓના સ્વાસ્થ્યની જાળવણી માટે ગોઠવવામાં આવી છે.

ઘોઘાવદર ગામે આવેલી આ ટીમના વેટરનરી ડો. હેમચંદ્ર ઋષિ છેક તેલંગાણા રાજયમાંથી પોતાની સેવાઓ આપવા માટે ડેપ્યુટેશન પર છે. ડો. ઋષિએ આ અંગે જણાવ્યું હતું કે, મોબાઇલ ડીસ્પેન્સરી દ્વારા અમે લોકો દરરોજ અંદાજે ત્રણથી પાંચ ગામોની મુલાકાત લઇએ છીએ. નાગરિકોનો બહુ સારો પ્રતિસાદ અમને મળી રહયો છે. વાવણીની સીઝનમાં ઘરઆંગણે આ સેવા મળવાથી ગ્રામ્ય નાગરિકોને ખેતીના કામ માટે આ મોબાઇલ વાન ખૂબ ઉપયોગી સાબતિ થઇ રહી છે.

આ વાન થકી અમે સરેરાશ રોજની એક પશુ પ્રસૂતિ કરાવી શકયા છીએ. અને માઇનોર સર્જરી, કૃત્રિમ બીજદાન, પશુ રસીકરણ, પશુઓના રોગોનું નિદાન અને મફત દવા વિતરણ જેવી કામગીરી અમે રોજ કરીએ છીએ. ૨૯ જુનથી શરૂ થયેલ આ મોબાઇલ ડીસ્પેન્સરીનો અત્યાર સુધી કુલ ૯૮ પશુપાલકોએ લાભ લીધો છે, અને ત્રણ પશુઓને પ્રસૂતિ પણ અમે કરાવી છે.

મોટા દડવા ગામના ૨૧, ઘોઘાવદરના ૧૯, વાસાવડના ૧૭, ખાંડાધારના ૧૩, બિલડીના ૧૫ અને કેશવાળાના ૧૩ પશુપાલકોએ ૧ જુલાઇ સુધી આ મોબાઇલ પશુ દવાખાનાનો લાભ લીધો છે. અને રાજય સરકારના પશુઓ પ્રત્યેના કલ્યાણકારી અભિગમની સરાહના કરી છે.

સંકલન : જોષીપુરા,

માહિતી બ્યુરો, રાજકોટ

(11:35 am IST)