સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.આદી સંત- સતીજીઓનો ચાતુર્માસ અર્થે ગિરનાર તળેટીએ પ્રવેશ

પ્રભુ કથિત ૧૧ અંગ સૂત્રની વાંચના સાથે સમગ્ર ચાતુમાર્સને આધ્યાત્મિક સ્વરૂપ આપવામાં આવશેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા.૨: કોરોના મહામારીની ભયાનકતાને લક્ષમાં રાખીને સાવધાની રાખતા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત સતીજીઓએ મુંબઈ ઘાટકોપરના નિર્ધારિત થયેલા ચાતુર્માસનો નિર્ણય બદલતા તીર્થંકર નેમનાથ પરમાત્માની પાવન ભૂમિ ગિરનારની ગોદમાં  રવિવારે ચાતુર્માસ અર્થે મંગલ પ્રવેશ કરેલ.

આ અવસરે જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રોફેસર વી.એસ.દામાણી,  સુરેશભાઈ કામદાર,   કિરીટભાઈ સંઘવી,  બીપીનભાઈ કામદાર, સુજલભાઈ દોશી અને અર્હમ યુવા ગ્રુપના યુવાનો સાથે સાવધાની રાખી એકબીજા સાથે સામાજિક અંતર રાખતા વિશેષ ભાવે ઉપસ્થિત રહ્યા હતા.

પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર તેમજ શ્રી ૨૪ તીર્થંકરોની સ્તુતિ શ્રી લોગસ્સના પ્રાગટ્ય બાદ પ્રોફેસર વી.એસ.દામાણી,  સુરેશભાઈ કામદાર, કિરીટભાઈ સંઘવીએ અત્યંત અહોભાવ સાથે સ્વાગત વકતવ્ય આપીને આનંદ અને અંતર આભારના ભાવોની શુભેચ્છા અભિવ્યકત કરેલ.ગિરનારની પવિત્ર ધરા પર ૨૦૨૦નું આ ચાતુર્માસ સર્વ માટે સુખરૂપ બને, શાતાકારી બને, આરોગ્યમય બને સાથે આધ્યાત્મિક અને આત્મિક બને આવા ભાવોની અભિવ્યકિત કરતાં પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે, પ્રભુ કથિત ૧૧ અંગ સૂત્રની વાંચના સાથે સમગ્ર ચાતુર્માસને આધ્યાત્મિક સ્વરૂપ આપવામાં આવશે.

તિર્થંકર પરમાત્માની પવીત્ર ભુમિ પર થનારો પરમ ગુરૂદેવ આદિ સંત સતીજીઓનો આ સ્વાધ્યાયમય ચાતુર્માસના સાધર્મિક ભકિત નો સંપુર્ણ લાભ ગુરૂભકત  નટુભાઈ ચોકશી એ લીધેલ છે.

(11:33 am IST)