સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

ભુજની અદાણી જીકે કોવિડ ૧૯ હોસ્પિટલમાં ૪ મહિનાના સાત્વિકે કોરોના સામે જંગ જીતતા ગૌતમ અદાણીએ ફોટા સાથે કર્યું ટ્વીટ

કોરોનાની મહામારી સામે ઝઝૂમતા વિશ્વ માટે સાત્વિક જેવો બાળક પ્રેરણા આપશેઃ કચ્છમાં ૮૦ પૈકી ૫૯ સાજા થયા ૩ ના મોત ૧૮ સારવાર હેઠળ

ભુજ,તા.૨: અનલોકની શરૂઆત વચ્ચે કચ્છ માટે સારા સમાચાર છે, સતત બે દિવસ થયા કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના ભય વચ્ચે ઉત્સાહ પ્રેરે તેવી આંકડાકીય માહિતી એ છે કે, કોરોનાના દર્દીઓ સ્વસ્થતા સાથે સાજા થઈ રહ્યા છે. કચ્છમાં અત્યાર સુધીમાં ૮૦ દર્દીઓ પૈકી ૩ ના મોત થયા છે.

જયારે ૫૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાને હાર આપીને જીવનનો જંગ જીતી સ્વસ્થ થનારમાં નાના બાળકો પણ છે. કચ્છમાં સરકાર અને અદાણી ગ્રુપ દ્વારા સયુંકત ચલાવાતી જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જીકે જનરલમાં 'કોવિડ-૧૯' હેઠળ કોરોનાની સારવાર આપતું વેન્ટિલેટર અને તજજ્ઞ તબીબો સાથેનું અદ્યતન આઇસીયુ યુનિટ કાર્યરત છે. જેમાં કોરોનાના દર્દી તરીકે સારવાર માટે દાખલ થયેલા ૪ મહિનાના બાળક સાત્વિકે કોરોનાને હાર આપીને જીવનનો જંગ જીત્યો.

તે સંદર્ભે અદાણી જીકેના તબીબી સ્ટાફે માસુમ સત્વિકને વ્હાલ પૂર્વક રજા આપતી વેળાએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ફોટો જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

ગૌતમભાઈએ ચાર મહિનાના બાળકના ફોટા સાથે ટ્વીટ કરતાં લખ્યું છે કે, અદાણી ગેઇમ્સ હોસ્પિટલમાં કોરોના સામે જંગ જીતનાર સાત્વિક કોરોનાની મહામારી સામે ઝઝૂમતા વિશ્વને પ્રેરણા આપશે.

કચ્છમાં ત્રણ દિવસ પહેલાં જ એક મહિનાની બાળકી હિરવા પણ કોરોના સામે જંગ જીતી ચુકી છે. કોરોનાની મહામારીમાં સ્વસ્થ થનાર દર્દીઓનું પ્રમાણ ઘણું જ ઊંચું છે, માનસિક સ્વસ્થતા અને રોગ પ્રતિકારક શકિત દ્વારા કોરોનાને મ્હાત આપી શકાય છે.

(11:33 am IST)