સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

કેશોદની દરેક સમાજની ૧૭ વાડીઓ લગ્ન હોલ સવા બે માસસથી સુષુપ્ત અવસ્થામાં

લગ્ન સમારંભમાં માત્ર ૫૦ વ્યકિતની જ છુટ મળતા : લગ્ન પ્રસંગને મંજુરી આપી લગ્ન હોલ વાડીને પુનઃ ધમધમવા કરવા લોહાણા સમાજ લેઉવા પટેલ સમાજ, બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સમક્ષ રજુઆતઃ મામલતદારને આવેદન પાઠવ્યે : લગ્ન પ્રસંગને લોકડાઉનના ગ્રહણથી અનેક સમાજની વાડીઓ-સંસ્થાની આર્થિક સ્થિતિ કફોડી બનીઃ સંસ્થાની આવક નીલ છતાં કર્મચારીઓના પગારનું ડેમરેજ ચડે છે : માત્ર ૫૦ લોકોની છુટને લઇ લોકો મને કમને ઘેરજ પ્રસંગ આટોપે છે

કેશોદ, તા.૨: કોરોના વાઇરસની મહામારી વચ્ચે લાદવામાં આવેલ લોકડાઉનના બંધનમાં લોકો ફસાતા જનજીવન ખોરંભાઇ જતાં આ સ્થિતિ વચ્ચે લગ્ન સહિતના પ્રસંગોના આયોજનો લોકોએ ના છુટકે પડતાં મુકવાની ફરજ પાડેલ હતી. આ સંજોગોમાં સામાન્ય દિવસોમાં સતત ધમધમતી વાડીઓ, રીસેપ્સન હોલ સહીતના લગ્ન સમારોહ સ્થાનો પણ સુષુપ્ત અવસ્થામાં પડેલ છે ત્યારે લગ્ન સમારોહ સ્થાનોને શરૂ કરવાની મંજુરીથી આપી આ સ્થાનોને પુનઃ ધમધમતા કરવા તમામ સમાજના વડાઓએ માંગણી કરેલ છે.

સામાન્ય રીતે લગ્નસરા ઘરોમાં લગ્ન જેવા મહત્વના પ્રસંગોના આયોજન માટે સોનાના દાગીના ખરીદવા, વાડી કે રીસેપ્સન હોલ બુક કરાવા, કપડા, કટલેરી સહીતની વિવિધ જરૂરી વસ્તુઓ ખરીદવા સહીતની તૈયારીઓ બેથી ત્રણ માસ પહેલાથી જ શરૂ કરવામાં આવતી હોય છે.

લગ્ન સમારોહ સ્થાન અંગે સ્થાનીક કેશોદ શહેર સંબંધ ધરાવે છે ત્યાં સુધી સ્થાનીક શહેરમાં જુદા-જુદા સમાજના ટ્રસ્ટની ૧૭ થી પણ વધુ વાડીઓ કાર્યરત છે. આ ઉપરાંત પ્રાઇવેટ રીસેપ્શન હોલ, પાર્ટીપ્લોટ તથા કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં પણ આ અંગેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. લગ્ન સહીત નાના-મોટા પ્રસંગો કરવા માટે સ્થાનીક શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો પણ આ સંસ્થાઓનો લાભ લે છે.

લગ્ન અંગેના મુર્હુત સામાન્ય રીતે વૈશાખ મહીનામાં વધુમાં વધુ હોઇ અને ખાસ કરીને વૈશાખ માસના આરંભે જ આવતા અખાત્રીજનું વણજોયુ મુર્હુત આવતુ હોઇ ઘરમાં અભ્યાસ કરતાં સંતોનોને પરિક્ષાઓ પુર્ણ થતાં વેકેશન પડેલ હોઇ આ તમામ પ્રકારની અનુકુળતાઓને ધ્યાને લઇ લોકો લગ્નના આયોજન માટે વૈશાખ માસ પર ખાસ પસંદગી ઉતારતાં હોઇ છે. પરંતુ લગ્ન પ્રંસગોને લોકડાઉનનું ગ્રહણ લાગી જતાં ચાલુ વર્ષે આખા વૈશાખ માસ દરમ્યાન લગ્ન પ્રસંગ સંદર્ભે ઢોલ, શરણાઇ, કે લગ્ન ગીતો સાંભળવા મળેલ ન હતા. લગ્નસરો ગણાતો આ વૈશાખ માસ મુહુર્ત હોવા છતાં પણ લોકડાઉનના કારણે લગ્ન વગર જ સુમસામ રીતે વિતી જવા પામેલ હતો.

વૈશાખ માસને ધ્યાને લઇ અગાઉથી લોકોએ વાડીઓ, પાર્ટીપ્લોટ, રીસેપ્શન હોલ સહીતના લગ્ન સમારોહ સ્થાનો બુક કરાવ લીધેલ હતા અને પ્રસંગ અંગેની પુર જોશમાં ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવેલ હતી. પરંતુ એકાએક ઉદભવેલ પ્રવર્તમાન કપરી સ્થિતિ વચ્ચે અસખ્ય લગ્ન પ્રસંગોના છુટકે મૌકુફ રાખવાની લોકોને ફરજ પડેલ છે.

દરમ્યાન લગભગ ગત તા.૪મે થી ૫૦ વ્યકિતની મર્યાદામાં સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવાની શરતને આધીન લગ્ન જેવા પ્રસંગ કરવા માટે છુટછાટ આપવામાં આવેલ છે પણ આ અંગે જરૂરી એવા વાડીઓ સહીત લગ્ન સમારોહ સ્થાનોને ચાલુ કરવાની મંજુરી નહી મળતાં લોકો મુંઝવણમાં મુકાઇ ગયેલ છે.

કેટલાય લોકો નવા મુહુર્ત કઢાવી નજીકના ભવિષ્યમાં જ લગ્ન સહીતના પ્રસંગો ઉકેલવા માટે થનગની રહ્યા છે પરંતુ બીજી તરફ જયા પ્રસંગની ઉજવણી કરવાની છે તેવા લગ્ન સમારોહ સ્થાનોને અલીગઢી તાળા લાગેલા હોઇ પરિણામે લોકો ૨૦ વ્યકિતની મર્યાદામાં લગ્ન પ્રસંગની છુટ હોવા છતાં પણ આયોજનો કરી શકતા નથી.

આ અંગે કેટલાક લોકોના જણાવ્યા મુજબ લોકડાઉનના નિયમોને સંપુર્ણપણે આધીન રહી સમગ્ર પ્રસંગ સાદાઇથી આટોપવા ઇચ્છીએ છીએ. આમ છતાં જરૂરી સગવડતાના અભાવે લગ્ન જેવા પ્રસંગો ઘર આંગણે કરવા શકય નથી. આ  સ્થિતિ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ પણ જાળવી શકાય નહીં. શહેરમાં જુદા જુદા સમાજની ૧૭ થી પણ વધુ વાડીઓ છે પણ હાલ લોકડાઉનના કારણે બંધ હોઇ શું કામની, ત્યારે હાલ તો વાડીઓ સહીતના લગ્ન સમારોહના સ્થાનો શરૂ થવાની પ્રતિક્ષામાં જ કેટલાય પરિવારના લગ્ન પ્રસંગો અટકી પડેલ છે.

દરમિયાન લેઉવા પટેલ સમાજના પ્રમુખ મગનભાઇ કોટડીયા, લોહાણા મહાજનના પ્રમુખ મુકેશભાઇ હીન્ડોચા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઇ પંડયાએ શહેરમાં કાર્યરત લગ્ન સમારોહ સ્થાનોની જુદી જુદી ૧૭ જેટલી સંસ્થાઓના સમર્થન સાથે રાજયના મુખ્ય મંત્રીશ્રીને સંબોધી લખેલ એક સંયુકત પત્રમાં કેશોદમાં દરેક સમાજની વંડીઓમાં સરકારશ્રીના આદેશ મુજબ પ્રસંગો કરવા સામે મનાઇ હોઇ તાત્કાલીક અસરથી આ પ્રકારનો પ્રતિબંધ દુર કરવા વિનંતી કરવામાં આવેલ છે.

આ અંગે આ ત્રણેય અગ્રણીઓએ સંયુકત રીતે જણાવેલ છે કે, હાલ કોરોના સંક્રમણના કારણે લોકડાઉનની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે. અને લોકડાઉનની ૧ થી ૪ દરમ્યાન તબક્કાવાર સહકારશ્રી દ્વારા વ્યવસાયો ખોલવાની છુટછાટ આપવામાં આવેલ છે પરંતુ લગ્ન પ્રસંગો માટે દરેક સમાજે પોતાની સંસ્થાની વાડી ખોલવાની મંજુરી આપવામાં આવેલ નથી. પરંથુ લગ્રન પ્રસંગ માટે ૫૦ વ્યકિતઓની મર્યાદામાં છુટ આપેલ છે પરંતુ ઘર આંગણે ૫૦ માણસો એકઠા થવાની મયાર્દીત જગ્યાના કારણે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું મુશ્કેલ બને છે.બીજી તરફ લોકડાઉનના કારણે દરેક સમાજની વાડી બંધ રહેતા આ સંસ્થાઓને માણસોના પગાર, લાઇટ બીલ, વેરા સહીત વિવિધ મેન્ટેનસ ચાલુ રહેતા હોઇ આ તમામ સંસ્થાઓએ પણ મોટી આર્થિક નુકશાની ભોગવવી પડેલ છે.

આ સ્થિતિને ધ્યાને લઇ (૧) લેઉવા પટેલ સમાજ (૨) લોહાણા સમાજ (૩) કડવા પટેલ સમાજ, (૪) ઔદિત્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ, (૫) ઝાલાવડાડી બ્રહ્મસમાજ, (૬) પુરોહતી બ્રહ્મ સમાજ (૭) મહરે સમાજ, (૮) સથવારા સમાજ, (૯) ગુર્જર સુથાર સમાજ, (૧૦) સોની સમાજ, (૧૧) યદુનંદન આહીર સમાજ (૧૨) સિંધી સમાજ(૧૩) સાધુ સમાજ (૧૪) ધેડીયા કોળી સમાજ (૧૫) ગીરનારા બ્રહ્મસમાજ (૧૬) સોરઠીયા આહીર સમાજ (૧૭) મુસ્લિમ સમાજ સહીતના દરેક સમાજની સંસ્થાના વડાઓ અને અગ્રણીઓ સાથે હાલ લોકડાઉનના નિયમોને ધ્યાને લઇ સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે હેતુથી ટેલીફોનીક કોન્ફરન્સના માધ્યમથી મળેલ મિટીંગમાં જરૂરી ચર્ચાના અંથે દરેક લોકોને લગ્રન સહિતના પ્રસંગોમાં વાડીઓની સુવિધા મળી રહે અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેમજ બંધ હાલતના કારણે સંસ્થાઓને થતી મોટી આર્થિક નુકશાનીમાંથી રાહત મળી રહે તેમજ દર વર્ષે ચેરીટી કમિશ્નરથી કચેરીમાં ઓડીટ રીપોર્ટ રજુ કરી ફાળાની રકમ પણ જમા કરાવતા કોઇ જેનો કીસ્સો પણ સરકારની ને મળી રહે તે બાબતે ધ્યાને લઇ આ બાબત લાગતા વળગતા સબંધીત સતાધીશો સમક્ષ તમામ સમાજ વતી રજુઆત કરવા સંમતી દર્શાવેલ હોય જેથી તમામ સમાજની વાડીઓમાં લગ્ર પ્રસંગો ગઇ શકે તે માટે છુટછાટ આપવા માંગણી કરેલ છે.

આ આવેદન પત્રની નકલ સ્થાનીક મામલતદારશ્રી સહીત સંબંધીત સત્તાધીશોને આપી આ તમામ સમાજના અગ્રણીઓની લાગણી અને માંગણી જાહેર હતીને ધ્યાને લઇ સરકારશ્રી સુધી પહોંચાડવા અનુરોધ કરેલ છે.

(11:24 am IST)