સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd June 2020

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા ગામે 15 વર્ષથી પીવાનું પાણી મળતુ નથીઃ 2 કિ.મી. દૂર કુવામાંથી પાણી ભરવા જવુ પડે છેઃ વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્‍ય

ભાવનગર: ભાવનગરના ઘોઘા તાલુકાનું કુડા ગામ પાણી માટે ટળવળી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી ગામના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. તંત્ર પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ ગામની પાણીની સમસ્યાનો કોઈ હલ નથી થઈ રહ્યો. જ્યારે કે, પીવાનું પાણી મેળવવા માટે લોકોને ગામથી 2 કિલોમીટર દૂર આવેલા કુવા પર પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ ગામના લોકો પીવાનું પાણી મળે એવી માંગ કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું અને દરિયા કિનારે વસેલું પાંચ હજારની માનવ વસ્તી ધરાવતું કુડા ગામ આજે પણ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. છેલ્લા પંદર વર્ષથી આ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. જ્યારે પાણીની જરૂરિયાત ઉભી થાય ત્યારે ગામની બહાર 2 કિલોમીટર દૂર આવેલા કૂવામાં પાણી ભરવા જવું પડે છે, જેથી લોકોનો અને ખાસ તો આ ગામની મહિલાઓ અને અભ્યાસ કરતી બહેનોનો મોટા ભાગનો સમય પાણી ભરવા પાછળ જ પૂરો થઈ જાય છે. જ્યારે દરિયા કિનારો ગામથી સાવ નજીક હોવાથી વાડી વિસ્તારમાં આવેલા કુવાના પાણી પણ ખારા થઈ ગયા છે. જેથી વાડી વિસ્તારમાં રહેતા લોકોને પણ આ એક કુવા પર પાણી ભરવા જવું પડે છે.

કુડા ગામની પાણીની જરૂરિયાતો પૂરી કરવા 15 વર્ષ પહેલાં તંત્ર દ્વારા ઓવરહેડ ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા હતા જે સંપની મદદથી મહી પરીએજનું પાણી ટાંકીમાં ચડાવી ગામમાં સપ્લાય કરવામાં આવતું હતું. પરંતુ નબળી કામગીરીને કારણે મહી પરીએજનું પાણી ગામ લોકોને માત્ર થોડા સમય જ મળ્યું અને બાદમાં બંધ થઈ ગયું. જે વાતને આજે પંદર વર્ષ વીતી ગયા છતાં ન તો નવી લાઈન નાખવામાં આવી કે ના થયું લાઈન રિપેરીંગનું કોઈ કામ ત્યારે વહેલી તકે થયું. પાણી આપવા માટે ગામના સરપંચ રઘુભાઈ ગોહિલ દ્વારા મંત્રી કુંવરજી બાવળીયાને રજુઆત કરવામાં આવી હતી, જેને પણ આજે દોઢ વર્ષ વીતી ગયા છતાં કુડા ગામની પાણીની સમસ્યાનો કોઈ હલ નથી આવ્યો.

ઉનાળાના ધોધધખતા તાપમાં પણ ગામના લોકો પોતાના વાહનો પાણી ભરવા માટેના કેરબા ટીંગાડીને ગામથી 2 કિલોમીટર દૂર આવેલા કુવા માંથી પાણી ભરવા મજબુર બન્યા છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય પણ માત્ર પાણી પાછળ ખર્ચાઈ રહ્યું છે.

(5:28 pm IST)