સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

સૌરાષ્ટ્ર-કચ્છની ૨૩માંથી ૨૦ પાલિકામાં ભાજપનો ભગવો માળીયામિંયાણા-સિક્કામાં કોંગ્રેસઃ જામરાવલમાં ગણતરી ચાલુ

અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર, બાબરા, ખંભાળીયા, કેશોદ, પોરબંદર, ગોંડલ, વેરાવળ, ઉના, સુત્રાપાડા, તાલાળા, મોરબી, વાંકાનેરમાં ભાજપનો વિજયઃ કચ્છની મુંદ્રા બારોઈ, ભૂજ, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં ભાજપનો જયજયકાર : વાંકાનેર પાલિકામાં જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં ભાજપે ઈતિહાસ રચ્યોઃ તમામ ૨૪ બેઠક કબ્જેઃ મોરબી પાલિકામાં બ્રિજેશ મેરજાની આગેવાનીમાં ભાજપનો જયજયકારઃ કોંગ્રેસનંુ ખાતુ ન ખુલ્યું: તમામ ૫૨ બેઠક ઉપર ભાજપની જીતઃ ગોંડલ પાલિકામાં ૪૪ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટોઃ તાલાલાગીર કોંગ્રેસમુકત

રાજકોટ, તા. ૨ :. રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સૌરાષ્ટ્ર-કચ્છની ૨૩ પાલિકા માટે મતદાન થયુ હતુ. જેમા આજે મતપેટીઓ ખૂલતા ભાજપનો ભગવો લહેરાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છની ૨૩માંથી ૨૦ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. માળીયામિંયાણા-સિક્કામાં કોંગ્રેસ વિજેતા થયુ છે. જ્યારે જામરાવલમાં ગણતરી ચાલુ છે.

વાંકાનેર પાલિકામાં જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. તમામ ૨૪ બેઠક કબ્જે કરી લીધી છે. મોરબી પાલિકામાં કોંગ્રેસનંુ ખાતુ ખુલ્યુ ન હતું. તમામ ૫૨ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. ગોંડલ પાલિકામાં ૪૪ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટો ફરકયો છે. તાલાલાગીર કોંગ્રેસમુકત થયું છે.

વાંકાનેર પાલિકામાં ભાજપના અગ્રણી જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં તમામ ૨૪ બેઠકો ભાજપે કબ્જે કરી છે. કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ ન હતું. જ્યારે બસપાનો ૪ બેઠકો પર વિજય થયો છે.

મોરબી પાલિકામાં તમામ ૫૨ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. બ્રિજેશભાઈ મેરજાની આગેવાનીમાં અભૂતપૂર્વ દેખાવ કરીને ભાજપે કરેલી મહેનત ફળી છે અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. કોંગ્રેસ પાસેથી ભાજપે મોરબી નગરપાલિકા કબ્જે કરી લીધી છે.

જ્યારે કેશોદ નગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. કુલ ૩૬ બેઠકમાંથી ભાજપે ૩૦ બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસનો ૬ બેઠકો ઉપર વિજય થયો છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની પથારી ફેરવી નાખ્યાની ચર્ચાએ જોર પકડયું છે.

ગોંડલ પાલિકામાં પણ ભાજપે તમામ ૪૪ બેઠકો ઉપર કબ્જો મેળવી લીધો છે. કોંગ્રેસ કે અન્ય પક્ષને એકપણ બેઠક મળી નથી.

બાબરા નગરપાલિકામાં પણ ભાજપે ભવ્ય જીત હાંસલ કરી લીધી છે. જેમા ૧૮ બેઠકો ઉપર ભાજપ અને ૬ ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

પોરબંદર નગરપાલિકામાં ૫૨ બેઠકોમાંથી ૪૫ ઉપર ભાજપ અને ૭ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે યોજાયેલી ચૂંટણીમાં અમરેલી, બગસરા, સાવરકુંડલા, દામનગર, બાબરા, ખંભાળીયા, કેશોદ, પોરબંદર, ગોંડલ, વેરાવળ, ઉના, સુત્રાપાડા, તાલાળા, મોરબી, વાંકાનેરમાં ભાજપનો વિજય થયો છે. જ્યારે સિક્કા અને માળીયામિંયાણામાં કોંગ્રેસનો વિજય થયો છે.

કચ્છની મુંદ્રા બારોઈ, ભૂજ, અંજાર, ગાંધીધામ અને માંડવીમાં ભાજપનો વિજય થયો છે.

(3:54 pm IST)